my samachar.in :રાજકોટ
આજના સમયમાં નિષ્ઠુર માતા પિતા જન્મતાની સાથે જ બાળકીને ત્યજી દેતા હોય છે, જો કે આવા ત્યજી દેવાતા નવજાતમાંથી અમુક બચી જાય છે તો અમુક મોતને ભેટે છે, તો અમુકને શિશુગૃહ જેવા આશ્રયસ્થાનોમાં આશ્રય અને સાર સંભાળ મળ્યા બાદ તેને કોઈ દત્તક લે ત્યારે જીવન પરિવર્તન થઇ જાય છે, આવું જ રાજકોટની અંબા સાથે બન્યું છે, 2020ના ફેબ્રુઆરી મહિનામાં મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108ની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ બાદ વધુ સારવાર અર્થે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને લિવર સુધી ઘા પહોંચ્યા હોવાથી તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ઠેબચડાની સીમમાંથી બાળકીને ઉઠાવીને જતા શ્વાનના મોઢામાંથી અંબાને છોડાવીને તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને માત્ર શ્વાનના દાંતની જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારના 20 ઘાની પણ ઇજા થઈ હતી.અંબાની હાલત કફોડી બનતાં તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી તેને અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંબા પર ઝનૂનથી ઘા ઝીંકવામાં આવ્યા હતા અને એને કારણે શરીરના ઊંડાણ સુધી તેની ઇજા પહોંચી હતી, લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી લિવર સહિતના ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા હતા. ત્રણ મહિના સુધી સારવાર ચાલતા અંબા સ્વસ્થ બનતાં કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી. અહીં તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે.
એવામ ભલે તેનું કોઈ ના હોય પણ ઈશ્વર તો છે તે સાબિત થયું તેની જિંદગી પણ બચી ગઈ અને હવે તે ઇટલીમાં નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે, રાજકોટની દીકરી ‘અંબા’ને આજે દત્તક લેવા માટે ઈટાલીનો પરિવાર રાજકોટ આવી પહોંચ્યો છે. ત્રણ મહિના બાદ હોસ્પિટલના બિછાને મોત સામે લડીને તેણે જીતી મેળવી હતી. એ વખતે કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ તત્કાલીન CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્યો છે. અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી છે.
આમ હવે અંબાને માતાની માતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા દોઢ વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોની સાથે ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. દત્તકવિધિ માટે પ્રોસિજર કરવામાં આવી હતી જેમાં ઈટાલીના ગુંથર અને કેટરિનએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને આજે તેઓ અંબાને લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતના છતીસગઢ ખાતેથી તેજરામ નામના બાળકને 4 વર્ષ પહેલા દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે. અંબાને દત્તક લેનાર તેની માતા કેટરિનએ જણાવ્યું હતું કે, હું ઇટાલીની એક હોસ્પિટલમાં નર્સીંગની કામગીરી કરી રહી છું. મને અને મારા પતિને ભારત અને તેમના લોકોનો સ્વભાવ ખુબ પસંદ હોવાથી તેઓએ અમે બીજું બાળક પણ ભારતમાંથી દત્તક લેવા નિર્ણય કર્યો છે. ઇટાલીમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હોવાથી અને પ્રથમ બાળક દત્તક લીધાના ચાર વર્ષ બાદ ફરી બાળક દત્તક લેવાની ઈચ્છા થતા અમે અંબાને દત્તક લીધી છે. હવે એક વર્ષ સુધી હું મારી જોબ છોડી અંબાની સંભાળ કરીશ
તો અત્યાર સુધી જ્યાં અંબા રહી તે બાલાશ્રમના સુપરિન્ટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસદડિયાએ જણાવ્યું હતું કે ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હોસ્પિટલમાંથી વહાલસોયી દીકરીને પરિવાર મળ્યો છે. અંબા શારીરિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે અંબા બે વર્ષની થઈ છે અને હવે સંપૂર્ણ સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 જેટલાં બાળકો વિદેશ પહોંચ્યાં છે. આજે આ દત્તક વિધિ વખતે પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા