Mysamachar.in:સાબરકાંઠા:
ગુજરાતના ધોરીમાર્ગ પર વધુ એક પ્રાણઘાતક અકસ્માત સર્જાયો. શામળાજીથી અમદાવાદ તરફ જતી એક ધસમસતી ઈનોવા કાર એક ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં, કારમાં બેઠેલાં 7 પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત નીપજયા અને અન્ય એક પ્રવાસીને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રેલર પાછળ ઘૂસી ગયેલી ઈનોવા કારના 60-70 ટકા ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો અને ગેસ કટર વડે કારના પતરાં કાપી મૃતદેહોને કારની બહાર કાઢવા પડ્યા હતાં. હિંમતનગર રોડ પર જિન નજીક આ ઘાતક અકસ્માત સર્જાયો હોવાની જાણ થતાં હિંમતનગર પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પરથી મળેલી વિગતો અનુસાર, આ અકસ્માતમાં માર્યા ગયેલાં તમામ પ્રવાસીઓ અમદાવાદના હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રસ્તાઓ પર પડેલાં બંધ વાહનોની પાછળ અથવા તો રસ્તાઓ પર દોડી રહેલાં વાહનોની પાછળથી અન્ય વાહન આ રીતે ઘૂસી જવાના બનાવો અવારનવાર બનતાં રહે છે એવા સમયે ડ્રાઇવિંગ સ્કીલ સામે સવાલો ખડાં થતાં હોય છે. અને, રાજ્ય તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અનિયંત્રિત ગતિએ વાહનો ચલાવવાની ચાલકોની આદત પણ, મોટાભાગના અકસ્માતો વખતે ચર્ચાનો વિષય બનતી હોય છે. દર વર્ષે રાજ્યના ધોરીમાર્ગો પર અસંખ્ય અકસ્માતોમાં આ રીતે હજારો લોકો મોતના મુખમાં હોમાઈ જતાં હોય છે, આમ છતાં આ દિશામાં સરકાર અને લોકો- કોઈ જ ગંભીર અને સંવેદનશીલ નથી.