Mysamachar.in-જામનગર:
ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-2023 ના તારણો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગર કોઈ પણ પ્રકારનો યશ ખાટી શકે એવા આંકડાઓ નથી, જામનગર મહાનગરપાલિકાનો દેખાવ આ સર્વેક્ષણમાં નોંધપાત્ર રહ્યો નથી, આમ છતાં કોર્પોરેશને ટંગડી ઉંચી રાખવા લૂલો બચાવ વહેતો કર્યો છે. જામનગર મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કયારેય, આટલાં વર્ષોમાં, ચુસ્ત રહ્યો નથી, સ્વચ્છતા મુદ્દે શહેર કયારેય ટનાટન જોવા મળતું નથી, બીજી તરફ- આ વિભાગ પાછળ કરદાતા નગરજનોના કરોડો રૂપિયા પાણીની માફક ખર્ચ કરવામાં આવે છે. જેને કારણે આ વિભાગ કાયમ વિવાદોમાં રહેવા પામે છે.
વર્ષ 2022માં ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર મહાનગરપાલિકાનો ક્રમ 54 મો રહ્યો હતો, વર્ષ 2023માં મહાનગરપાલિકા 83 મા ક્રમે ધકેલાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022માં મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા સાવરણાંઓ હાથમાં પકડીને ફોટોસેશન કરવામાં આવ્યા ન હતાં, જેની સામે વર્ષ 2023માં આખું વર્ષ સૌ આવા ફોટોસેશનમાં વ્યસ્ત રહ્યા, રાત્રિસફાઈના ફોટોસેશન પણ રાત્રે બબ્બે ત્રણ ત્રણ વાગ્યે કરાવવામાં આવ્યા, પ્રેસ ફોટોગ્રાફર અને વીડિયોશૂટરોને સામેથી ફોન કરાવી બોલાવવામાં આવ્યા, આવા સમયે મીડિયાકર્મીઓ સમક્ષ ગાંધીજીથી માંડીને વડાપ્રધાને સ્વચ્છતા અંગે શું કહેલું છે, તેના ભાષણો રાત્રે ત્રણ વાગ્યે કરવામાં આવ્યા, આખરે ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના આંકડાઓ જાહેર થતાં, આ તમામ ફોટોસેશન જાણે કે કચરામાં ગયા !!
જો કે કોર્પોરેશનમાં આ વિભાગ કંટ્રોલિંગ અધિકારી તરીકે સંભાળતાં મુકેશ વરણવા કહે છે: ભારત સરકારે આ સર્વેક્ષણમાં શહેરોની વસતિની દ્રષ્ટિએ જે કેટેગરી બદલાવી છે, તેને કારણે જામનગરનો ક્રમ નીચો ઉતર્યાનું દેખાય છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગરની માફક રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આવો લૂલો બચાવ કર્યો છે. પરંતુ લોકોને આવી બાબતોમાં રસ હોતો નથી, લોકો શહેરમાં જે રીતે સફાઈ થતી હોય, તે સફાઈ અંગે લગભગ બધું જ જાણતાં હોય છે. અને, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વિવાદો અને કથિત કૌભાંડોની પણ લગભગ તમામ નગરજનોને જાણ હોય છે.
-મને તો હજુ ચાર જ મહિના થયા: મેયર
ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના આંકડાઓ જાહેર થયા અને જામનગરમાં સફાઈ ઝુંબેશોના ફ્ઝેતા થયા જેવી સ્થિતિ વચ્ચે Mysamachar.in દ્વારા મેયરની પ્રતિક્રિયા જાણવામાં આવી છે. મેયર વિનોદ ખીમસૂર્યાએ પ્રતિભાવ આપતાં કહ્યું કે, મને તો કોર્પોરેશનમાં આવ્યે હજુ ચાર જ મહિનાઓ થયા છે, અમો નાઈટસફાઈ પણ કરાવીએ છીએ, સફાઈ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. ડોર ટુ ડોર કલેક્શનમાં તાજેતરમાં પ્રશ્ન ઉભો થયો ત્યારે અમોએ એક જ દિવસમાં તેનો ઉકેલ શોધી કાઢ્યો. અમારાં લેવલે સ્વચ્છતા માટેના તમામ પ્રયાસો ચાલુ જ છે.