Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં આઉટસોર્સિંગ એજન્સીઓ કેવાં પ્રકારના ખેલ કરે છે અને તેઓનાં આ પ્રકારના ખેલ પ્રત્યે કોણ આંખ મીંચામણાં કરે છે અને આ આંખ આડા કાનને કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓને કેટલું નુકસાન થાય છે ? આ કર્મચારીઓનું કેટલું શોષણ થાય છે ?! આ તમામ બાબતો અંગે રાજ્યનાં લેબર કમિશનરનું ધ્યાન દોરાયા પછી, તેઓએ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી છે. લેબર કમિશનરે તાકીદ કરી છે કે, રાજ્યભરમાં સરકારી સહિતના તમામ વિભાગોમાં કોન્ટ્રાકટર અને આઉટસોર્સિંગ એજન્સીઓ તમામ કર્મચારીઓને પૂરાં લાભો આપશે તો જ તેઓનાં બિલોના ચુકવણા થશે. આ પ્રકારની એજન્સીઓએ કર્મચારીઓને લઘુત્તમ વેતન સહિતનાં તમામ લાભો આપવાનાં રહેશે. સંબંધિત કર્મચારીઓને PF પણ વાજબી રીતે આપવું પડશે. મહિલા કર્મીઓ અને શ્રમિકોને પણ કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય તે જોવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
શ્રમ આયુક્તએ રાજ્યનાં તમામ કલેકટર, ડીડીઓ અને મ્યુ કમિશનર સહિતના અધિકારીઓ અને તમામ સરકારી વિભાગોને તાકીદ કરતાં જણાવ્યું છે કે, આઉટસોર્સિંગનાં કર્મચારીઓનાં વીમાના પ્રીમિયમની રકમ સહિતની ચૂકવણીઓ પછી જ આઉટસોર્સિંગ એજન્સીઓને બિલોના ચુકવણા કરવામાં આવે. આ ઉપરાંત તેઓએ કહ્યું છે કે, લઘુત્તમ વેતનનાં દરો સુધારવામાં આવ્યા છે જેનો હવે સૌએ ચુસ્ત અમલ કરવાનો રહેશે. આઉટસોર્સિંગ એજન્સીઓ અને કોન્ટ્રાકટર દ્વારા પચાસ કે તેથી વધુ કર્મચારીઓ અથવા શ્રમિકો રાખવામાં આવે ત્યારે તેઓને વેતન ચૂકવવાની જવાબદારી પણ મુખ્ય માલિકોની છે. સરકારી વિભાગો તથા મહાનગરપાલિકાઓએ આવા કિસ્સાઓમાં મુખ્ય માલિકો તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.
-લેબર કમિશનર દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ..
લેબર કમિશનરે કહ્યું: દરેક શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને સેવાનાં તમામ લાભો મળે છે કે કેમ, તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પીએફ નો ફાળો એજન્સીઓએ ભર્યો છે કે કેમ, તેની ચકાસણી કરી બાદમાં જ એજન્સીઓને બિલોની ચુકવણી કરવાની રહેશે. કોઈ પણ શ્રમિક કે કર્મચારી પાંચ વર્ષની સતત નોકરી પૂર્ણ કરે તે પછી, તેને 15 દિવસ મુજબની ગ્રેચ્યુઈટીની ચુકવણી કરવાની રહેશે. 8 કલાકથી વધુ સમય કામ થયું હોય તેવા કિસ્સામાં ઓવરટાઈમ વેતન બમણું આપવાનું રહેશે તેમ જ મહિલા કર્મચારીઓને પણ સમાન વેતન આપવાનું રહેશે. પગાર ચિઠ્ઠી, હાજરી કાર્ડ અને ઓળખ કાર્ડ ફરજિયાત આપવાનાં રહેશે.