Mysamachar.in-જામનગર;
ઘણી વખત આસો માસમાં શારદીય નવરાત્રિ દરમિયાન એવું બનતું હોય છે કે, એકાદ તિથિનો ક્ષય થતો હોય છે અથવા એકાદ તિથિ બેવડાતી હોય છે એટલે કે તિથિની વૃદ્ધિ જોવા મળતી હોય છે. આ વર્ષે અખંડ નવરાત્રિ છે. એક પણ તિથિનો ક્ષય કે વૃદ્ધિ વિના નવ રાતોની નવરાત્રિ ઉજવાશે.
જયોતિષીઓના મતે, આ વખતે શારદીય નવરાત્રિનો પ્રારંભ 15 ઓક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં અને વૈધૃતિ યોગમાં થઈ રહ્યો છે. ગણેશોત્સવની ભવ્ય ઉજવણીઓ પછી હવે લાખો ખેલૈયાઓ નવરાત્રિની રાહ જોઈ રહ્યા છે. 23 ઓક્ટોબરે સંપન્ન થનારી આ નવરાત્રિ અખંડ છે, એક પણ તિથિનો ક્ષય નથી અને કોઈ તિથિની વૃદ્ધિ પણ નથી. નવ રાતોની નવરાત્રિ.
શેરીગરબાઓથી માંડીને મેગા ઈવેન્ટ સુધીના આયોજનો આગળ વધી રહ્યા છે. આયોજનોની વિશેષતાઓ જાહેર થઈ રહી છે. ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાના આ તહેવારને કારણે જામનગર સહિત સમગ્ર રાજયમાં બજારોમાં પણ સળવળાટ જોવા મળી રહ્યો છે. રવિવારે આસો સુદ એકમના દિવસે ચિત્રા નક્ષત્ર છે. સાંજે 6.13 વાગ્યાથી ચિત્રા અને પછી સ્વાતિ નક્ષત્ર છે. બંને નક્ષત્ર શુભ માનવામાં આવે છે. રવિવારે સવારે 10.24 સુધી વૈધૃતિ યોગ છે.