Mysamachar.in-જામનગર:
તાજેતરમાં સુરેન્દ્રનગર જેલમાં કેવી લાલીયાવાડી ચાલે છે તેનું કેદી દ્વારા જ લાઈવ વિડિયો કરી સોશ્યલ મીડિયાના માધ્યમથી વિડિયો વાઇરલ થવાની ઘટના સામે આવતા ગુજરાતભરમાં સનસનાટી મચી જવા પામી હતી અને ગૃહવિભાગ પણ આ ઘટનાને લઈને ચોંકી ઉઠ્યો હતો,
તેવામાં સુરેન્દ્રનગર બાદ જામનગર જિલ્લા જેલમાં પણ કેવો ભ્રષ્ટાચાર ચાલે છે,તેનું સ્ટીંગ ઓપરેશન કરી તેની સી.ડી. સાથેની રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આક્ષેપો સાથે સ્ફોટક રજૂઆત થતાં હાલ જેલ તંત્રમાં ભાગ દોડ મચી ગઈ છે,
જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી હિતેશ નરશીભાઈ બાંભણીયા હત્યા કેસમાં જેલમાં હોય,તેના પર ત્રાસ ગુજારવામાં આવીને વારંવાર નાણાની માંગણી કરવામાં આવતા આ વાતની જાણ હિતેશ જ્યારે કોર્ટની તારીખમાં આવતો ત્યારે તેની માતા મંજુબેનને કરતો અને મંજુબેનએ ઉછી ઉધારા કરીને ૬૦ હજાર જેવી રકમ આપેલ હોવાનું મીડિયા સમક્ષ મંજુબેનએ જણાવ્યુ છે,
વારંવાર હિતેશ તેની માતા પાસે પૈસાની માંગણી કરતાં વિધવા એવા મંજુબેન કંટાળી ગયા હતા,ત્યારબાદ હિતેશ તાજેતરમાં પેરોલ પર છૂટીને ઘરે આવ્યો ત્યારે જેલ તંત્ર દ્વારા કેવા કારનામા આચરવામાં આવે છે,તેનું કથિત સ્ટીંગ ઓપરેશન કરેલ સી.ડી. માતા મંજુબેનને આપીને જતો રહ્યો હતો,તેવું મંજુબેન જણાવે છે,
ત્યારબાદ આ મામલે મંજુબેન બાંભાણીયાએ વકીલની સલાહ લઈને રાજ્યના ગૃહમંત્રી,મુખ્યમંત્રી સહિત જિલ્લા પોલીસ વડા વગેરેને જેલ તંત્રમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સ્ટીંગ ઓપરેશન કરેલ સી.ડી.સહિતની રજૂઆત કરતાં ચકચાર જાગી છે,
આ રજૂઆતમાં જામનગર જેલ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યુ છે કે,જામનગર જેલમાં પાંચ વ્યકિતોની સાંઠગાંઠથી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે,બેરેકમાં સુવિધા માટે,પાન,માવા,સીગારેટ વગેરે નશીલા પદાર્થ માટે વહીવટની માંગણી કરાય છે અને આ તમામ વહીવટ ટીફીનવાળા શખ્સ દ્વારા કેદીઓના વાલી પાસેથી રકમ ઉઘરાવે છે,તેનું છુપા કેમેરામાં વિડિયો શૂટિંગ કરાયાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે,
ઉપરાંત જેલના કેદીઓ તાબે ન થાય તેવાને અંધારી બેરેકમાં રાખી ત્રાસ ગુજારવામાં આવે છે,વહીવટ વ્યવહાર ન કરનાર કેદીને સારું જમવાનું પણ અપાતુ નથી,તે સહિત જેલ તંત્ર દ્વારા આચરવામાં આવતા કથિત ભ્રષ્ટાચાર ગંભીર આક્ષેપો કરીને રાજયભરની જેલોમાં સૌથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારમાં જામનગર જેલનું પ્રથમ સ્થાન આવે તેમ છે તે માટે ચેકિંગ હાથ ધરવા પણ સૂચન કરવામાં આવ્યું છે,
આમ જેલ તંત્રના કથિત ભ્રષ્ટાચાર મામલે સ્ટીંગ ઓપરેશન કરી સી.ડી. બનાવીને કેદીઓ સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે તેવી જામનગર જેલ તંત્ર સામે ગંભીર રજૂઆત થતા સનસનાટી મચી જવા પામી છે.
જેલ સુપ્રિટેન્ડન્ટ વી.પી.ગોહિલ શું કહે છે?
ગૃહમંત્રીને પુરાવાઓ સાથે કેદીના પરિવાર દ્વારા કરાયેલ જામનગર જેલ તંત્રની રજૂઆત અંગે જામનગર જેલ સુપ્રિટેન્ડન્ટ વી.પી.ગોહિલની Mysamachar.in દ્વારા ટેલિફોનિક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે ગોહિલે જણાવ્યુ કે,હિતેશ બાંભાણીયા રીઢો ગુન્હેગાર છે,બીજી વખત હત્યા કેસમાં જેલમાં આવેલ છે,હાલ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો છે,જેલ તંત્રને દબાવવા આવા આક્ષેપો થઈ રહ્યા છે,જેમાં તથ્ય નથી વધુમાં મારી પાસે આ મામલે રજૂઆત કે સી.ડી. મળેલ નથી તેની ખરાઈ કરી સત્યતા ચકાસી તપાસ કરવામાં આવશે અને આક્ષેપોને જેલ સુપ્રિટેન્ડન્ટે નકાર્યા હતા.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.