Mysamachar.in:ગાંધીનગર
આગામી 48 કલાકમાં એટલે કે, 15 એપ્રિલથી જામનગર સહિત રાજ્યભરમાં જંત્રીના દરોમાં બમણો વધારો ઝીંકાશે, જે સૌ જાણે છે. પરંતુ ત્યારબાદ, દીવાળી પછી એટલે કે વર્ષનાં અંતે જંત્રીના દરોમાં ફરીથી વધારો આવી શકે છે ! એ માટેની તૈયારીઓ સરકારે શરૂ કરી જ દીધી છે. સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર સહિત રાજ્યભરમાં શહેરોનાં વિવિધ વિસ્તારોમાં જંત્રીદરોને તાર્કિક બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરોને ફરતે એવા અસંખ્ય વિસ્તારો હોય છે જ્યાં જમીનોના તથા મિલ્કતોનાં બજારભાવો, શહેરોનાં વિકાસને કારણે, આસમાનને આંબી ગયા હોય છે પરંતુ આવા વિસ્તારોમાં જંત્રીના દરો સાવ નીચાં હોય છે.
સરકાર આ જંત્રીના દરોને બજારભાવો મુજબ તાર્કિક બનાવવા ઇચ્છે છે, આ માટે દરેક જિલ્લામથકોએ કલેકટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. અને, સમગ્ર રાજ્યમાં સર્વે કામગીરી પણ ચાલુ છે. આ સર્વે દીવાળી પહેલાં પૂર્ણ થઈ જશે. ત્યાં સુધીમાં કલેકટર સંબંધિત પક્ષકારોના વાંધા રજૂઆતો પણ સાંભળી લેશે. અને, સચિવાલય સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, આ સર્વે કામગીરી પૂર્ણ થયાં પછી એટલે કે દિવાળી બાદ જંત્રીના દરોને બજારભાવો મુજબ વાસ્તવિક બનાવવા, આવા વિકસિત અથવા વિકાસ પામી રહેલાં વિસ્તારોમાં વધારવામાં આવી શકે છે.
સૂત્રો એમ પણ જણાવે છે કે, મોટાં શહેરોમાં તથા મધ્યમકદના શહેરોમાં જંત્રીના દરોને વાસ્તવિક બનાવવા, વિસંગતતાઓ દૂર કરવા શું કરવું જોઈએ ? તેની તાલીમ લેવા માટે, જાણકારીઓ મેળવવા ગુજરાત સરકાર કેટલાંક અધિકારીઓને મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના શહેરોમાં અભ્યાસ માટે મોકલવા આયોજન કરી રહી છે. હાલમાં જંત્રીદરોને મુખ્ય ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે – ઔદ્યોગિક, ખેતીની અને અન્ય. ખેતીની ઘણી જમીનો પાછલાં વર્ષોમાં બિનખેતી થઈ છે જ્યાં આજે રહેણાંક, કોમર્શિયલ બાંધકામો અને ઔદ્યોગિક એકમો ધમધમે છે, આવા નવા વિસ્તારોમાં જંત્રીદરો વાસ્તવિક બનાવવા દરોમાં વધારો કરવામાં આવશે, એમ જાણવા મળે છે.
જો કે સૂત્રો સ્વીકારે છે કે, આ સર્વે કામગીરી અને બાદમાં જંત્રીના દરોમાં જે વધારો થશે તેની રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં નેગેટિવ અસરો થશે. જમીન અને મિલ્કતોના ભાવો વધુ ઉંચા જશે. લોકોએ ઉંચી રકમનાં દસ્તાવેજ બનાવવા પડશે, વધુ સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે તથા વધુ નોંધણી ફી ભરવાની થશે. તેને કારણે સરકારની આ પ્રકારની આવકોમાં મોટો વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ 5 ફેબ્રુઆરીથી સરકારે ડબલજંત્રીનો અમલ શરૂ કરવા જાહેરાત કર્યા પછી રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાંથી વિરોધ ઉઠતાં સરકારે આ અમલ 15 એપ્રિલથી શરૂ કરવા નિર્ણય કર્યો હતો. હવે આ ડેડલાઈન નજીક આવી ગઈ છે. અને, બીજી તરફ સરકારે જંત્રીદરોને તાર્કિક બનાવવા સર્વે કામગીરી પણ શરૂ કરી દીધી છે.