Mysamachar.in-રાજકોટ
લાખોનો પગાર, ગાડી મકાન અને માભાવાળી જિંદગી છતાં પણ સરકારી બાબુઓની કટકી કરવાની આદત જતી નથી, અને છાશવારે કોઈને કોઈ સરકારી અધિકારી કે પછી કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટે ચઢી જાય છે, આવો જ એક કિસ્સો રાજકોટમાં એસીબીએ ગુન્હો નોંધતા સામે આવ્યો છે, જેમાં સાહેબ કરોડોની બેનામી સંપતિ એકઠી કર્યાનું સામે આવતા એસીબીએ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે, રાજકોટ જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર પરમાર પાસેથી રૂ.1 કરોડની બેનામી સંપત્તિ મળી આવતા તેની સામે રાજકોટ એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો છે, પરમારે તેની આવક કરતા વધુ ખર્ચ કર્યાનું તપાસમાં ખૂલતાં પરમાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ જીઆઇડીસીમાં ક્લાસવન અધિકારી અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવતાં હિતેન્દ્ર રતિલાલ પરમાર પાસે બેનામી સંપત્તિ હોવાની લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોને માહિતી મળતાં રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી, એસીબીની ટીમે હિતેન્દ્ર પરમાર તથા તેના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવી તેનું નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એસીબીની ટીમે નાણાકીય સલાહકાર પાસે ફોરેન્સિક એકાઉન્ટિંગ કરાવી નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરાતા જ હિતેન્દ્ર પરમારે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી વધુ આવક કમાઇ હોવાનો ધડાકો થયો હતો.
હિતેન્દ્ર પરમારે જેટલા વર્ષ નોકરી કરી તે ફરજ દરમિયાન તેને કાયદેસરની રૂ.3,59,90,077ની આવક થઇ હતી જ્યારે કબજે થયેલા દસ્તાવેજો પરથી હિતેન્દ્ર પરમારે રૂ.4,59,94,016નો ખર્ચ અને રોકાણ કર્યાનું ખુલ્યું હતું આમ અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર પરમારે 1,00,03,939ની અપ્રમાણસરની મિલકતો વસાવ્યાનું સ્પષ્ટ થયું હતું. હિતેન્દ્ર પરમાર પાસે તેની આવક કરતાં 35.37 ટકા વધુ મિલકત હોવાનો પર્દાફાશ થયો હતો. રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજાએ જીઆઇડીસીના ક્લાસ વન અધિકારી હિતેન્દ્ર પરમાર સામે ફરિયાદ નોંધાવતા એસીબી રાજકોટના પીઆઇ મયૂરધ્વજસિંહ સરવૈયાએ ગુનો નોંધી વિશેષ તપાસ શરૂ કરી હતી. કાયદેસરની આવક કરતાં સત્તાનો દુરુપયોગ કરીને આવક રળતાં સરકારી અધિકારી કર્મચારીઓ પર એસીબીની ટીમે તવાઈ બોલાવવાનું અવિરત રાખ્યું છે.