Mysamachar.in:અમદાવાદ
માત્ર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટ હોય છે એવું નથી એસીબીની વ્યાખ્યામાં આવતા પ્રજાએ ચૂટેલ જન પ્રતિનિધિઓ હોદેદારો પણ લાંચ લેવામાં કાઈ કમ નથી હોતા તેનું વધુ એક ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે, જ્યાં ગામનો સરપંચ 2 લાખની લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ ચુક્યો છે. સાણંદના માણકોલ ગામનો સરપંચ બાંધકામ કરવા દેવાના બદલામાં 19 લાખ રૂપિયાની માગી હતી. આમાં લાંચ પેટે 2 લાખ રૂપિયાની લાંચનો પહેલો હપ્તો સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. સાણંદના નળ સરોવર રોડ પર આવેલા માણકોલ ગામના સરપંચ અરવિંદભાઇ દીપાભાઇ રાઠોડે એક વ્યક્તિની એન.એ કરાવેલી 20 ગુંઠા જમીન માણકોલ ચોકડી પર આવેલી છે.
તેમાં ફરિયાદીએ અગાઉ બાંધકામ કરેલ હતું અને બાકીની ખુલ્લી જગ્યામાં બાંધકામ કરવા જતાં સરપંચ અરવિંદભાઇ રાઠોડે ખોટા વાંઘા વચકા કાઢી કામ બંધ કરાવેલું અને કામ ચાલુ કરવાના બદલામાં શરૂઆતમાં 2 દુકાનની માગણી કરેલી ત્યારબાદ ફરિયાદીએ રકઝક કરતાં રૂ.25 લાખની માગણી કરી હતી. છેવટે રૂ.19 લાખ આપવાની વાત કરતાં ફરિયાદીએ 2થી 4 હપ્તામાં નાંણા આપવા સંમત થયા હતા. જે પૈકી પહેલો હપતો રૂ.2 લાખ 6 એપ્રિલે આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ફરીયાદી આ લાંચ આપવા માગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતાં એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવતાં માણકોલ ચોકડીથી આગળ આવેલી વૃતિ હોલીડે હોમ્સની અંદર જાહેર માર્ગ ઉપર અરવિંદભાઇ દીપાભાઇ રાઠોડે હેતુલક્ષી વાતચીત કરી રૂ.2,00,000 લાંચ પેટે માગી, સ્વીકારી પકડાઇ જતાં આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.