Mysamachar.in:સુરેન્દ્રનગર
રાજ્યના રાજકોટ અમદાવાદ હાઈવે અને સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં છાશવારે ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આવી જ વધુ એક ઘટના આજે સામે આવી છે, આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ સામે આવી છે. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી. જે બાદ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકોના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે સ્થાનિક પોલીસ કહે છે કે રાત્રે કુકવાવ પાસે અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. એની લૌકિક ક્રિયામા આ ચારેય લોકો દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યાં હતા. ત્યારે આ અકસ્માતમા ગાડીમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ અંગેની વધુ કાર્યવાહી ચાલી રહી છે.