Mysamachar.in:ગાંધીનગર
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં એક પ્રોફેસર અને તેમની તબીબ પત્ની 2006 થી લગ્નજીવન શરૂ કરી સાથે રહેતાં હતાં. દરમિયાન, 2009માં તેઓને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો. અને, 2011માં આ પ્રોફેસરને એમ થયું કે, હવે પત્ની સાથે જિવવામાં કોઈ આનંદ નથી રહ્યો ! અને એમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. મામલો અદાલતમાં પહોંચ્યો. પ્રોફેસરે છૂટાછેડા માટે કાગળો અદાલતમાં રજૂ કર્યા. અદાલતમાં ચાર વર્ષ બાદ આ દંપતિના છૂટાછેડા માન્ય રહ્યા. પરંતુ પછી કહાનીમાં અચાનક ટ્વીસ્ટ આવ્યો !
2015માં ગાંધીનગરની ફેમિલી કોર્ટે આ દંપતિને છૂટાછેડા લેવા મંજૂરી આપી, એ પહેલાં પ્રોફેસર પતિ પર અનેક પ્રકારના આક્ષેપો કરનારી તબીબ પત્નીએ છૂટાછેડાનાં આ કાગળોને વડી અદાલતમાં પડકાર ફેંક્યો ! અને, અદાલતમાં જણાવ્યું કે, આ છૂટાછેડાના કાગળો રદ્ કરવામાં આવે. અમારાં પુત્રએ પાછલાં ચાર વર્ષ દરમિયાન અમારી, પતિપત્ની વચ્ચે ફરી પ્રેમસેતુ રચી દીધો છે. અમે છૂટાં પડવા ઇચ્છતા નથી.
એ જ દિવસે, હાઈકોર્ટમાં પત્નીની ફરીથી ભેગાં રહેવાની અરજીને પડકારવાને બદલે સૌનાં આશ્ચર્ય વચ્ચે પતિએ પત્નીની અદાલત સમક્ષની માંગણીને સપોર્ટ આપ્યો. અને, અદાલતે આ દંપતિના છૂટાછેડાનાં કાગળો પર મનાઈહુકમ ફરમાવ્યો અને આ મહિલાની, ફરીથી સાથે જિવવાની અરજી સ્વીકારી લીધી.
આ મહિલાની ઉપરોક્ત અરજી ચાર વર્ષ સુધી હાઈકોર્ટમાં પડતર રહી, તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં આ અપીલ અરજીની સુનાવણી શરૂ થઈ, મહિલાએ હાઈકોર્ટમાં જણાવ્યું કે, છૂટાછેડા પછી અમારી પતિ પત્ની વચ્ચે સંખ્યાબંધ મિટીંગ થઈ. અમારો પુત્ર અમને બંનેને ફરી નજીક લાવ્યો. હવે અમે સાથે જિવવા ઈચ્છીએ છીએ. પતિ પત્નીએ સંયુક્ત એફિડેવિટ રજૂ કરીને હાઈકોર્ટમાં કહ્યું : અમારી વચ્ચેનાં તમામ મતભેદો અને મનભેદ દૂર થયાં. અમારાં પુત્રએ અમારી વચ્ચે ફરી સેતુ બનાવી દીધો.
આ દંપતિએ હાઈકોર્ટમાં એફિડેવિટમાં એમ પણ કહ્યું કે, અમારાં છૂટાછેડાના આદેશને વડી અદાલત રદ્ કરે, અમોએ નીચલી કોર્ટમાં એકમેક પર કરેલી ફરિયાદો અને આક્ષેપો પાછાં ખેંચીએ છીએ. અમો હાલ સાથે રહીએ છીએ. અને, દંપતિએ હાઈકોર્ટમાં એમ પણ કહ્યું કે, જો છૂટાછેડાનો આદેશ રદ્ કરવામાં નહીં આવે તો અમારે સાથે રહેવા પુનર્લગ્ન કરવા પડશે.
અદાલતે પતિપત્નીનાં આ પુન:મિલનને કાયદાકીય રીતે શકય બનાવવા સંયુક્ત એફિડેવિટનાં આધારે છૂટાછેડાનાં આદેશને રદ્ કર્યો અને દસ દિવસમાં પતિ પત્ની નીચલી કોર્ટમાં એકમેક સામે રજૂ કરેલી ફરિયાદો પરત ખેંચી લ્યે, એમ પણ વડી અદાલતે ચુકાદામાં જણાવતાં ત્રણ સભ્યોનો આ પરિવાર ખુશ થયો. તેર વર્ષનાં બાળકને ફરીથી માતાપિતા બંને મળી જતાં, તે પણ ખુશ થયો. બાળકે માતાપિતા વચ્ચે રચેલો સેતુ મજબૂત બન્યો.