Mysamachar.in-કચ્છ:
કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ખોખરા ગામે બનેલ એક ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે, જેમાં ગત મધરાત્રે ઘરમાં સુતેલા માતા અને બે યુવાન પુત્રોને જીવતા સળગાવી નાખવાના પ્રયત્નના ભાગરૂપે રૂમમાં આગ ચાંપી દેવાઇ હતી. એક પુત્રએ 10 મહીના પહેલા જેનાથી પ્રેમ લગ્ન કર્યા હતા તેના પરિજનોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા પોલીસમાં વ્યક્ત કરાઇ છે.ખોખરાના પ્રેમજીભાઈ શામજીભાઈ ખોખરની ફરિયાદને ટાંકીને અંજાર પોલીસે આપેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તેમની 50 વર્ષીય પત્ની લખીબેન, પુત્રો 27 વર્ષનો વિનોદ અને 22 વર્ષીય દિનેશ રસોડાની બાજુના રૂમમાં સૂતા હતા અને પિતા પ્રેમજીભાઇ અલગ રૂમમાં નિંદ્રાધીન હતા. તે દરમ્યાન રાત્રે 2 વાગ્યે પુત્ર દિનેશ ગંભીર રીતે દાઝેલી અવસ્થામાં રાડારાડી કરતો પિતા પાસે આવ્યો હતો અને ઘરમાં આગ લાગી હોવાનું કહેતા ફરિયાદીએ તાત્કાલિક આગ લાગેલા રૂમમાં જઈ પત્ની અને પુત્ર વિનોદને બહાર કાઢ્યા હતા.
જે બંને પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. બૂમાબૂમથી આસપાસના લોકો પણ એકત્રિત થઇ ગયા હતા અને દાઝેલા ત્રણેયને અંજારની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો ટાંકી ફરિયાદ નોંધી હતી.મોટા પુત્ર વિનોદે ગામમાં જ રહેતી એક યુવતી સાથે તેના મા-બાપની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનોએ ઘરમાં આગ ચાંપી દીધી હોવાની શંકા ફરિયાદી પ્રેમજીભાઇએ વ્યક્ત કરી હતી. ગામડાં ગામમાં એક પરિવારના ત્રણ જણને જીવતા સળગાવી દેવાની ઘટનાથી ચકચાર જાગી છે.