Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામના એક મહિલાએ પોતાની છેડતી કરવા અને ફડાકો ઝીંકી દેવા અંગે એક પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવતાં આ મામલાએ જામનગરના પોલીસબેડામાં સારી એવી ચકચાર જગાવી છે.જામજોધપુર તાલુકાના નરમાણા ગામના એક મહિલા ગતરાત્રે નરમાણા સમાણા ગામના માર્ગેથી પસાર થતા હતા.ત્યારે નરમાણ ગામના રહેવાસી અને શેઠવડાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ તેણીને રસ્તામાં રોક્યા હતા, અને હાથ પકડી છેડતી કરી હતી. આ પછી કરિયાદ નહિ કરવા અને સમાધાન કરવા માટે ચર્ચા થઈ હતી.આ સમયે મહિલાએ પોતાના ઘરે સમાધાન માટે આવવા જણાવતાં પોલીસ કર્મચારીએ મહિલાને ફડાકો ઝીંકી દીધો હતો, આખરે મહિલાએ પોલીસ કર્મચારી વિરુદ્ધ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કરીયાદી મહિલા પોતાના પુત્ર સાથે એક્ટિવા સ્કૂટર પર પસાર થઇ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં પોલીસ કર્મચારીએ તેને રોકી લીધા હતા. અને તેણીનો હાથ પકડી લઈ, હાલ આપણા બેયનું ગોઠવવું છે. તેમ કહી આબરૂ લેવાના ઇરાદે છેડતી કરતાં મહિલા અને તેના પુત્રએ દેકારો કર્યો હતો. આ મામલો આખરે શેઠવડાળા પોલીસ મથકે પહોચતા પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા સામે આઇપીસી કલમ 354 A, અને 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવને લઈને જામજોધપુર પંથક સહીત જામનગર પોલીસબેડામાં સારી એવી ચકચાર જાગી છે.