Mysamachar.in-જામનગર:
હર ઘર ત્રિરંગા સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ ગત્ શનિ-રવિવારથી ગાજી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાએ પણ આ અભિયાનની સફળતા માટે ધ્વજ અને સ્ટીક ખરીદવા ઘણાં કાગળો અને લખાણ તૈયાર કર્યા, મામલો સ્ટેન્ડિંગ કમિટીની, ઠરાવ સહિતની કાર્યવાહીઓમાંથી પણ પસાર થયો. આમ છતાં વિવાદ સર્જાયો. જો કે, સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ મુદ્દે સ્પષ્ટ જાહેરાત કરી દેવામાં આવી છે, જેથી આમ જૂઓ તો હવે કોઈ ગેરસમજ પણ રહેવા પામતી નથી.
જેતે સમયે સ્ટેન્ડિંગ કમિટીમાં રાષ્ટ્ર ધ્વજ તથા સ્ટીક ખરીદી અંગે રૂ. 55 લાખથી વધુની રકમના મુદ્દે સૈદ્ધાંતિક સ્વીકાર થયેલો. અને એવું પણ જાહેર થયેલું કે, આ કામ માટે પ્રિ ઓડિટ, ટેન્ડર કે એગ્રીમેન્ટની કોઈ જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ શહેરમાં રાષ્ટ્ર ધ્વજ વિતરણ માટે મંડપો પણ નંખાયા અને વિતરણ શરૂ થયું. આ સાથે જ વિવાદ પણ શરૂ થયો.
આ વિવાદ શરૂ થયા બાદ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરાએ સ્પષ્ટ વાત કરી છે કે, રિલાયન્સ કંપની તરફથી અને સરકારમાંથી રાષ્ટ્ર ધ્વજ આવ્યા હોય, ઘટતી ખરીદી જ સ્થાનિક કોન્ટ્રાક્ટર પાસેથી કરી, આ ખરીદીના ખર્ચ જેટલી જ રકમ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવવાની થશે.
આ સમગ્ર પ્રોજેક્ટ કોર્પોરેશનની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાએ પ્લાન કર્યો હોય, Mysamachar.in દ્વારા આ વિભાગના મુખ્ય અધિકારી રાજીવ જાનીનો આ મુદ્દે ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, રિલાયન્સ કંપની તરફથી તથા સરકારમાંથી મહાનગરપાલિકાને પુષ્કળ સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજ પૂરાં પાડવામાં આવ્યા હોય, સ્થાનિક કક્ષાએ રાષ્ટ્ર ધ્વજની ખરીદી લગભગ તો કરવાની રહેશે નહીં. આમ છતાં સ્વૈચ્છિક સંસ્થાઓ કે શાળાઓને રાષ્ટ્ર ધ્વજ આપવામાં જો થોડીઘણી ઘટ આવશે તો જ, નજીવી ખરીદીની જરૂરિયાત ઉભી થશે.