Mysamachar.in-જામનગર:
ગત્ 31મી ઓક્ટોબર જામનગરના એક યુવા ઉદ્યોગપતિ માટે અશુભ પૂરવાર થઈ. ‘વિશાલ’ નામનો આ શખ્સ, યુવતિની ફરિયાદ અનુસાર, 19 મહિના સુધી આ યુવતિના દેહને બળજબરીથી ચૂંથતો રહ્યો, આખરે 31મી ઓક્ટોબરે આ યુવતિએ આ યુવા ઉદ્યોગપતિ વિરુદ્ધ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને ત્યારબાદ છેક સાતમા દિવસે, હાલારમાં આ મામલાની ચર્ચાઓ જાહેરમાં શરૂ થયા બાદ, પોલીસે આજે આ વિગતો પત્રકારોને આપવી પડી. આજે પણ પોલીસ આરોપીનું નામ પૂછ્યા પછી બોલી અને પછી પણ આરોપીનું આખું નામ, ઉંમર કે સરનામું અથવા વ્યવસાય બોલી નહીં.
જામનગરના આ ચકચારી મામલાની પોલીસે વિગતો જાહેર કરી. જેમાં જણાવાયું કે, આ મામલામાં પ્રથમ બળાત્કાર ફેબ્રુઆરી-2024માં થયેલો, ત્યારે આરોપીએ યુવતિને કોઈક નશામાં બેભાન કરી હતી. પછી રેપ થયો. બાદમાં આ આરોપીએ આ યુવતિને સતત બ્લેકમેલ કરી, સપ્ટેમ્બર-2025 સુધી વારંવાર બળાત્કાર કર્યા.
31-10-2025ના દિવસે આ યુવતિએ આ ફરિયાદ સિક્કા પોલીસમાં એટલાં માટે દાખલ કરાવી કેમ કે, આ મામલામાં પ્રથમ વખત આ યુવતિ પર સિક્કા પાટીયા નજીકના આર્ય ભગવતી રેસિડેન્શ નામના સ્થળે બળાત્કાર થયેલો. ત્યારબાદ આ યુવતિ પર અનેક વખત બળાત્કાર થયો. આ ફરિયાદી યુવતિ કોઈ લોન ફાઇનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું પોલીસ કહે છે.
-આ વિશાલનો કારોબાર પણ ‘વિશાળ’ છે અને રાજકીય ક્ષેત્રે પણ સંકળાયેલ…
આ વારંવારના બળાત્કાર કેસનો આરોપી યુવા ઉદ્યોગપતિ વિશાલ મોદી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મિલ ધરાવતો મિલમાલિક હોવાનું બહાર આવ્યું છે. અને, અંબર ચાર રસ્તા નજીક તે પોતાની કારોબારી ઓફિસ ધરાવતો હોવાની વિગતો પણ ચર્ચાઓમાં છે. એમ પણ કહેવાય છે કે, આ ઓફિસમાં પણ યુવતિને અનેકવખત બોલાવવામાં આવી. અને યુવતિએ કહ્યું છે કે, તેણી પર વારંવાર બળાત્કાર થતાં રહ્યા.
જામનગર શહેરમાં લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે, જામનગરમાં કોઈ પણ મહત્વપૂર્ણ બાબત બને ત્યારે, આ શખ્સને પોતાનું નામ, ખુદના નાણાં ખર્ચ કરી મોટા હોર્ડિંગ મારફત ગજાવવાનો પણ શોખ છે. આ આરોપી શાસકપક્ષના જામનગર યુનિટમાં પણ સંકળાયેલ છે. આ પદ પરથી એવું સમજાઈ રહ્યું છે કે, આ શખ્સ ખેડૂત ખાતેદાર પણ હશે અને ખેતીની જમીન અથવા ફાર્મ હાઉસ ધરાવતો હોય શકે. આ શખ્સ ‘વિલા’ પણ ધરાવતો હોવાની ચર્ચાઓ છે. સમગ્ર મામલો લાંબા સમય સુધી છૂપાયેલો રહ્યો આ મામલામાં હજુ સુધી આરોપીની ધરપકડ પોલીસ કરી શકી નથી !



