Mysamachar.in-જામનગર:
કેન્દ્ર સરકારે GST ટેક્સના જે 4 સ્લેબ હતાં તે ઘટાડીને 2 કરી દીધાં છે. 28 ટકા ટેક્સવાળી ઘણી ચીજો 18 ટકાના સ્લેબમાં આવી ગઈ છે. 18 ટકા ટેક્સવાળી ઘણી ચીજો 5 ટકાના સ્લેબમાં આવી ગઈ છે. ઘણી ચીજો પર શૂન્ય ટકા GST થયો છે, 22 સપ્ટેમ્બરથી નવા દરો અમલમાં મૂકાયાની જાહેરાત થઈ ચૂકી છે પણ હજુ સુધી ગ્રાહકોને આ ઘટાડાનો કોઈ જ લાભ ગુજરાતમાં જામનગર સહિત કોઈ જ શહેરમાં મળી રહ્યો નથી.
મોટાભાગના શહેરોમાં વેપારીઓ એવી દલીલ કરી રહ્યા છે કે, અમારી પાસે જૂના ભાવનો સ્ટોક છે, તે ખલાસ થઈ જાય, નવા ભાવનો સ્ટોક આવે પછી ભાવઘટાડોનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડી શકાશે. જો કે બજારોમાંથી મળતી માહિતીઓ એમ કહે છે કે, નવા સ્ટોકમાં પણ વેપારીઓ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપતાં નથી.
બજાર સૂત્ર કહે છે, સરકારે ઉત્પાદકો વગેરેને સૂચનાઓ આપી છે કે, MRP પ્રિન્ટ પણ ઘટાડવાની રહેશે. પરંતુ ઉત્પાદકો આ સૂચનાઓ ઘોળીને પી ગયા છે. MRP ઘટાડવામાં આવી નથી. સ્ટેશનરીથી માંડીને ખાણીપીણીની ચીજો અને ઔદ્યોગિક ઉત્પાદનોથી માંડીને સિમેન્ટ સુધીની બાંધકામ સામગ્રીઓમાં કયાંય ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યો નથી.
લોકો બચત ઉત્સવની ઘણી વાતો સાંભળી-વાંચી રહ્યા છે પરંતુ રોજિંદી ખરીદીઓમાં લોકો અનુભવી રહ્યા છે કે, કયાંય કશુ સસ્તું થયું નથી. વેપારીઓ આ લાભ ગ્રાહકોને આપવા ઉત્સુક નથી. સરકારે ફરિયાદ માટે ફોન નંબર પણ જો કે જાહેર કર્યા છે. લોકોએ ઘટાડાનો લાભ લેવા આ નંબરોનો ઉપયોગ કરવો જોઈએ. જાગૃત રહે એમને જ લાભ મળી શકે, એવી સ્થિતિઓ જોવા મળી રહી છે.
-જામનગર GST તંત્ર કહે છે, અમો તૈયારીઓ કરી રહ્યા છીએ..
આજે આ સમગ્ર વિષય સંબંધે Mysamachar.in દ્વારા જામનગર GSTના ડેપ્યુટી કમિશનર હિતેષ દેસાઈનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.અધિકારીએ જણાવ્યું છે કે, સરકારની સૂચનાઓ અનુસાર આ ભાવઘટાડાનો લાભ લોકો સુધી પહોંચાડવા તંત્ર કટિબદ્ધ છે. આ માટે તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. સમગ્ર શહેર અને જિલ્લામાં તમામ ગ્રાહકોને ભાવઘટાડાનો લાભ મળી રહે તે માટે તંત્ર ફ્રેમવર્ક તૈયાર કરી રહ્યું છે. આ માટે નોડલ અધિકારીઓની તથા ટીમોની રચના, કર્મચારીઓની ફાળવણી વગેરે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત ડેપ્યુટી કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. સતત 6 મહિના સુધી બજારો પર વોચ રાખવામાં આવશે અને આ ભાવઘટાડાની રાહતો લોકોને ખરેખર મળતી થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. લોકોને ભાવઘટાડાનો લાભ નહીં મળતો હોય એવા કિસ્સાઓમાં ધંધાર્થીઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવશે, કારણ કે સરકાર આ રાહતો લોકો સુધી પહોંચાડવા મક્કમ છે, એમ તેમણે અંતમાં ઉમેર્યુ હતું.