Mysamachar.in-જામનગર:
જામનગર સહિતના મહાનગરોમાં મહાનગરપાલિકાઓની અને ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ માટે આમ તો જો કે ઘણાં સમયથી ખાનગીમાં અને ચોક્કસ કાર્યક્રમોમાં ચોકઠાં અને સોગઠાં ગોઠવાઈ રહ્યા છે પણ આગામી મહિનાઓ દરમ્યાન આ ગતિવિધિઓ તેજ બનશે.
આ વખતે ચોમાસુ સારૂ ગયુ છે, બધાં જ પાકોનું સારૂં વાવેતર થયું છે, એટલે ગ્રામ્ય વિસ્તારો ‘જોર’માં છે અને તેથી સારી માંગની અપેક્ષાઓ સાથે શહેરી વિસ્તારોમાં પણ આશાવાદ છે. બીજું કે, નવરાત્રિ અને દીવાળીના તહેવારો લોકો ધામધૂમથી ઉજવી લ્યે પછી તરત જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની તૈયારીઓ પણ ઝડપી થશે, જોર પકડશે.
હાલમાં સરેરાશ લોકો આગામી નવરાત્રિ અને દીવાળી કેવી રીતે ઉજવવી અને એ અગાઉ શું શું ગોઠવણ કરવી, તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ સક્રિય રાજકારણ સાથે સંકળાયેલા રાજકીય પક્ષોના સામાન્ય કાર્યકરથી માંડીને બધાં જ નેતાઓ આગામી ચૂંટણીઓ અંગે આયોજનોની તૈયારીઓમાં વ્યસ્ત છે.
નવરાત્રિ દરમ્યાન ઘણાં બધાં નેતાઓ અને કાર્યકરો આગામી ચૂંટણીઓ અનુસંધાને પ્લાનિંગ અને ચોક્કસ પ્રકારની મુલાકાતોમાં, તહેવાર બહાને વ્યસ્ત રહેશે. ત્યારબાદ દીવાળીની રજાઓ અને આનંદ માણી સૌ નાનામોટા નેતાઓ અને કાર્યકરો ‘સ્નેહમિલન’માં આ વર્ષે ‘લથબથ’ સ્નેહની વાવણી કરશે, આગામી ચૂંટણીઓમાં ‘મતપાક’ લણવા. સૌનું ધ્યાન આખરે તો ફસલ ઉર્ફે ઉપજ પર જ હોય છે. કારણ કે, સૌ જાણે છે કે, આજના જમાનામાં રાજકારણ સર્વિસ સેક્ટર નથી રહ્યું…ખેતી છે, લણો બેસુમાર અને ભરો ભંડાર.
અત્રે ઉલ્લેખનિય છે કે, દીવાળી બાદ એકતરફ મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ પહેલાં મતદારયાદીની ચકાસણીઓ ચાલી રહી હશે અને નેતાઓ તથા કાર્યકરો ચૂંટણીઓની તૈયારીઓમાં ગળાડૂબ હશે. એ દરમ્યાન સરેરાશ મતદાર મનમાં અને આપસી ચર્ચાઓમાં ‘મત કોને’ અને ‘શા માટે’ આપવો- તેની વ્યૂહરચનાઓ ઘડવામાં વ્યસ્ત રહેશે.
