Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના સિંહપ્રેમીઓ માટે ચિંતાઓ એ છે કે, આપણાં એશિયાટીક સિંહો મોતને ભેટી રહ્યા છે. જો કે આ પ્રકારના મોત પાછળ કારણો અલગઅલગ હોય છે. જેમાં મુખ્ય કારણ એ છે કે, સિંહોને બિમારીઓ ખાઈ જાય છે. સિંહોને સ્વસ્થ રાખી શકવા એક પડકાર બની ગયો છે. સિંહો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ થઈ રહ્યો છે.
રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલાત આપી છે કે, સિંહોના અકુદરતી મોત અટકાવવા માટે બે વર્ષ દરમ્યાન રૂ. 37 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બે વર્ષ દરમ્યાન કુલ 307 સિંહના મોત થયા. જે પૈકી 2023-24 માં 60 અને વર્ષ 2024-25 માં 81 સિંહના મોત જુદાજુદા રોગોને કારણે થયા. બિમારીઓથી થતાં મોતના બનાવોમાં 35 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો.
અત્રે ઉલ્લેખનિય છે કે, કુલ સિંહની સંખ્યા 891 પૈકી સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં 339 અને સૌથી ઓછાં 1 માત્ર સિંહ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. 2023-24માં 141 સિંહના મોત થયા અને 2024-25 માં 166 સિંહ મોતને ભેટયા. જે હાલના વર્ષોમાં સૌથી મોટો આંકડો છે.
વિધાનસભામાં એ વિગતો પણ આપવામાં આવી કે, સિંહોના આંતરિક લડાઈમાં 36થી 38 જેટલાં અને વૃદ્ધ થવાથી આ બે વર્ષ દરમ્યાન 24 અને 27 સિંહ મૃત્યુ પામ્યા. અમરેલીમાં 2025ના 7 મહિનામાં 31 સિંહના મોત થયા. રાજ્યમાં આ ઉપરાંત કૂવામાં પડી જવાથી, વીજઆંચકાને કારણે અને રસ્તાઓ પર તથા રેલ્વે ટ્રેક પર અકસ્માત થવાથી પણ સિંહોના મોત થઈ રહ્યા છે. આ બધી બાબતો બહાર આવવાથી એ પ્રશ્ન સપાટી પર આવ્યો કે, સિંહોનું સંરક્ષણ સારી રીતે થઈ શક્યું નથી.(file image)
