Mysamachar.in-જામનગર:
જામનગર સહિતની રાજ્યની 8 હૈયાત મહાનગરપાલિકાઓ અને નવી ઉમેરાયેલી મહાનગરપાલિકાઓ- એમ સમગ્ર રાજ્યમાં આ તમામ શહેરી વિસ્તારોની કોર્પોરેશન ચૂંટણીઓની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ આ માટે જે તૈયારીઓ સરકાર લેવલે શરૂ થઈ જવી જોઈએ તે તૈયારીઓ હજુ સુધી કયાંય દેખાઈ રહી નથી. આથી ચૂંટણીઓ લડવા થનગની રહેલાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની ચૂંટણીઓ ક્યારે થશે ? તેની દિનરાત રાહ જોઈ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, દોઢ-બે મહિનાઓ અગાઉ પાટનગર ગાંધીનગરથી એવો અહેવાલ વહેતો થયેલો કે, નજીકના ભવિષ્યમાં જામનગર સહિતના શહેરોમાં નવું વોર્ડ સીમાંકન હાથ ધરવાની તૈયારીઓ થઇ રહી છે. પરંતુ એ દરમ્યાન ધોધમાર ચોમાસુ અને જન્માષ્ટમીના મિની વેકેશન જેવા માહોલને કારણે વોર્ડના પુન: સીમાંકનની વાતો હજુ સુધી તો ફાઇલોમાં જ કેદ હોવાની સ્થિતિઓ જોવા મળી રહી છે. એથી ચૂંટણીઓમાં રસ ધરાવતા લોકો વિચારી રહ્યા છે કે, વોર્ડ સીમાંકન ક્યારે શરૂ થશે ? અને થશે કે કેમ ? કે પછી ચૂંટણીઓ વર્તમાન સીમાંકન મુજબ જ કરી નાંખવામાં આવશે ? આ પ્રશ્નનો કોઈ જ સત્તાવાર જવાબ, કોઈ જ લેવલથી હજુ સુધી બહાર આવ્યો નથી.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, પાછલાં 15-20 વર્ષ દરમ્યાન જામનગર સહિત રાજ્યના ઘણાં શહેરોમાં હદવધારો કરવામાં આવ્યો છે. જે પૈકી જામનગર શહેરની હદ 2013ની સાલમાં વધી હતી. અને હદ વધારવામાં આવ્યા બાદ હજુ સુધી નવું સીમાંકન થયું નથી. જૂના સીમાંકન મુજબ જ વિવિધ ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે.
શહેરની હદ વધવાથી શહેરની પેરીફેરીના વિસ્તારો ધરાવતાં વોર્ડ વિસ્તાર અને મતદાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ મોટાં બની ગયા છે, જેની સરખામણીએ જૂના શહેરના વોર્ડ યથાવત્ અને નાના છે. વોર્ડ સીમાંકન સંતુલન ખોરવાઈ ગયું છે. આ પ્રકારના અસંતુલન સાથે ચૂંટણીઓ યોજાય એ તાર્કિક ન લેખી શકાય. પરંતુ સો મણનો સવાલ તો એ છે કે, નવું વોર્ડ સીમાંકન શરૂ ક્યારે થશે ?
આ વખતની કોર્પોરેશન ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત મુદ્દો પણ પ્રભાવી બની શકે છે. અત્રે એ પણ નોંધનીય છે કે, સરકાર અત્યારે શાસકપક્ષના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત અને પ્રધાનમંડળના સંભવિત વિસ્તરણની ભાંગજડ અનુભવી રહી હોય, ગાંધીનગર લેવલે હાલ ચૂંટણીઓ અંગેની તૈયારીઓ nil હોવાનું કહેવાય રહ્યું છે. આ ઉપરાંત એક તો આ વખતની ચૂંટણીઓમાં સ્થાનિક સ્તરે ઘણાં બધાં આગેવાનોના નામો ટિકિટ સંબંધે કપાઈ જવાની સંભાવનાઓ છે તેનું ટેન્શન અને બીજું એ કે, વોર્ડ સીમાંકન સંબંધે આગામી સમયમાં શું થશે- એ બધી જ બાબતો ચૂંટણીઓ લડવા ઉત્સુક વર્ગમાં મોટા પ્રમાણમાં ચર્ચાઈ રહી છે. દરમ્યાન, એવા પણ અહેવાલો છે કે, આગામી જાન્યુઆરી-2026ના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં આ ચૂંટણીઓનું મતદાન થઈ શકે છે. જો કે એ માટે ડિસેમ્બરમાં જાહેરનામું બહાર પાડવું પડે અને ડિસેમ્બર હવે ક્યાં દૂર છે, સપ્ટેમ્બર ફટાફટ વીતી રહ્યો છે અને હજુ નવા સીમાંકન અંગે કશું સંભળાતું નથી ! ચૂંટણીઓ લડવા ઈચ્છતા લોકો અવઢવનો અહેસાસ કરી રહ્યા હોવાની સ્થિતિઓ છે.
