Mysamachar.in-વડોદરા:
લાંચ એક પ્રકારનો ‘વકરો’ છે, ઘણી વખત લાંચ હોલસેલ ધોરણે, હિસાબ મુજબ માંગવામાં આવતી હોય છે. આવો એક મામલો બહાર આવી ગયો. મુખ્ય લાંચખોર મહિલા ઓડિટર ફરાર છે અને વચેટિયા, ચાર લાંચિયા પુરૂષ ઝડપાઈ ગયા.
મામલો ડભોઈ તાલુકાની પ્રાથમિક શાળાઓના ઓડિટ રિપોર્ટનો છે. રિપોર્ટ સારો મેળવવા પૈસા આપવા પડતા હોય છે. સરકારી મહિલા ઓડિટર જયશ્રી હીરાભાઈ સોલંકીએ 2 આચાર્ય અને 2 નિવૃત શિક્ષકોને લાંચની આ ‘ઉઘરાણી’ સોંપી હતી. લાંચના બદલામાં ઓડિટરે એ કામ કરી આપવાનું હતું કે, શાળાઓના હિસાબકિતાબનું ઓડિટ એવી રીતે કરવાનું કે, કોઈ પણ પ્રકારની કવેરી નહીં કાઢવાની.
ACB અધિકારી જણાવે છે કે, ડભોઈ તાલુકામાં કુલ 20 ગ્રૂપ આચાર્ય છે. તમામ પાસેથી રૂ. બબ્બે હજાર લેવાના હતાં. કુલ 40,000નો મામલો હતો. જે પૈકી રૂ. 12,000 લાંચ તરીકે 6 આચાર્ય પાસેથી લીધાં પછી, સાતમા આચાર્ય પાસેથી 2,000 લેતી વખતે ACBના હાથમાં ચાર આરોપીઓ ઝડપાઈ ગયા. જેમાં બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ (નિવૃત શિક્ષક), મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી (આચાર્ય), મુકુંદ બાબુભાઈ ચૌહાણ (નિવૃત શિક્ષક) અને ઘનશ્યામ ભૂપેન્દ્રભાઈ પટેલ (આચાર્ય)નો સમાવેશ થાય છે. જયશ્રી હીરાભાઈ સોલંકીની ધરપકડ બાકી છે. આ મામલાએ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે.