Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત હાઇકોર્ટમાં વીજતંત્રની બેદરકારી સંબંધે એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર થયો છે. એક યુવાનના મોતના કિસ્સામાં વીજતંત્રની અપીલ ફગાવી દઇ વડી અદાલતે વળતરની માંગ બહાલ રાખી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વીજતંત્રની બેદરકારીઓ તથા અપૂરતી કામગીરીઓને કારણે ઘણાં માનવો અને પશુઓનો ભોગ લેવાતો રહે છે, એ સ્થિતિઓ વચ્ચે આ ચુકાદો દીવાદાંડીરૂપ સાબિત થઈ શકે છે.
આ મામલાની જાહેર થયેલી વિગતો એવી છે કે, 2008ના માર્ચ મહિનામાં કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના એક ગ્રામ્ય પંથકમાં 18 વર્ષનો એક યુવક પશુઓ ચરાવી રહ્યો હતો ત્યારે, પશુઓ માટે ઘાસચારા તરીકે છોડવા કાપી રહ્યો હતો, આ સમયે નજીકના ઝાડ પરથી પસાર થતાં વીજવાયરમાંથી આ યુવકને વીજઆંચકો લાગ્યો. યુવકનું મોત થયું.
આ મોત મામલે વીજવિભાગની બેદરકારીઓને આગળ ધરી મૃતકના પરિવાર દ્વારા ભૂજ અદાલતમાં મોત વળતરનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. દાવો ચાલી જતાં ટ્રાયલ કોર્ટે વીજકંપનીને આદેશ કર્યો કે, મૃતકના માતાપિતાને 9 ટકા વ્યાજ સાથે રૂ. 6.25 લાખની રકમ વળતર તરીકે ચૂકવી આપવામાં આવે. જો કે વીજકંપની આ ચુકાદાથી નારાજ થઈ. અને વીજકંપનીએ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી.
હાઈકોર્ટમાં આ કેસ ચાલવા પર આવતા મૃતક યુવકના માતા તરફથી જણાવાયું કે, રેકર્ડ પરના પુરાવાઓ- સ્વતંત્ર સાક્ષીઓની તપાસ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે ટ્રાયલ કોર્ટે વળતરનો જે હુકમ કર્યો છે તે બિલકુલ યોગ્ય અને કાયદેસર છે. વીજકંપનીની બેદરકારીઓના કારણે વીજવાયરો નીચે લટકી ગયા હતાં અને ઝાડને ટચ થતાં હતાં. આ કારણથી વીજકરંટની ઘટના બની અને આ માતાનો જુવાનજોધ પુત્ર મૃત્યુ પામ્યો.
આ સાથે મૃતકના માતા તરફથી એમ પણ કહેવાયું કે, ટ્રાયલ કોર્ટે ઘટનાના સઘળા પાસા અને હકીકતો ધ્યાને લઈને જ આ હુકમ કર્યો છે. તેથી તેમાં હાઈકોર્ટની દરમ્યાનગીરી ન્યાયોચિત નહીં લેખાય. વળી, આ અપીલની સુનાવણી દરમ્યાન મૃતક યુવકના પિતાનું પણ અવસાન થયું છે. હવે એક માત્ર મૃતકના માતા પ્રતિવાદી તરીકે બચ્યા છે. ત્યારે, તમામ સંજોગો અને પુરાવાઓ ધ્યાને લઈ અદાલતે વીજકંપનીની અપીલ ફગાવી દેવી જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી વડી અદાલતે વીજતંત્રની અપીલ ફગાવી દીધી અને ટ્રાયલ કોર્ટનો વળતરનો હુકમ બહાલ જાહેર કર્યો. આ તકે અદાલતે નોંધ કરી કે, વીજવાયરો ઝાડ કે ઝાડની ડાળીઓને સ્પર્શે નહીં તે જોવાની વીજતંત્રની ફરજ છે.(file image)