Mysamachar.in-વડોદરા:
જમીનોને લગતી બાબતોમાં રેવન્યુ વિભાગના ફરજ પર રહેલાં અધિકારીઓ અને કર્મચારીઓ અને પૂર્વ અધિકારીઓ તથા કર્મચારીઓ બિલ્ડર લોબીમાં ‘માનવંતા’ હોય છે તે સૌ જાણે જ છે. આ સ્થિતિઓ વચ્ચે, એકસાથે 3 નાયબ મામલતદાર આમંત્રણનો સ્વીકાર કરી એક બિલ્ડરની ખાનગી ઓફિસે ‘ચા-પાણી’ પિવા ગયા, પણ બાદમાં ત્રણેય સસ્પેન્ડ થયા.
મામલો વડોદરાનો છે. વડોદરા નજીકના સિંધરોટમાં એક મોટી જમીન ઘણાં સમયથી ચર્ચાઓમાં છે. કારણ કે, 1997ની સાલમાં આ વિસ્તારમાં મોટું પૂર આવેલું. આ પૂરમાં ઘણું સરકારી સાહિત્ય તણાઈ ગયું અથવા નાશ પામ્યું. આ ‘ગૂમ’ સાહિત્યમાં ઘણું સાહિત્ય જમીનો સંબંધિત હતું. જેનો (ગેર)લાભ લેવા એક ત્રાગડો રચાયો.
એમ કહેવાય છે કે, જેતે સમયના પૂરને કારણે સરકારી કચેરીની ઘણી બિનખેતી ફાઇલો તથા ઘણી વિકાસ પરવાનગી સંબંધિત ફાઇલો ‘ગૂમ’ થતાં ઘણાં કિસ્સાઓમાં આ બાબતે નિર્ણયો લઈ શકાતા નથી. સરકાર આ સ્થિતિઓનો ઉકેલ શોધવા કસરત કરી રહી છે. તે દરમ્યાન સિંધરોટ પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ કે, એક બિલ્ડર 3 નાયબ મામલતદારની મદદથી ચોક્કસ પ્રકારની ‘સોદાબાજી’માં આગળ વધી રહ્યો છે.
આ 3 નાયબ મામલતદાર મહાવિરસિંહ સિનોલ, હર્ષિલ પટેલ અને મહાવિરસિંહ ગોહિલ એક બિલ્ડરની ઓફિસે ગયા હોવાની ચકચારી માહિતીઓ જાહેર થઈ જતાં, કલેક્ટર દ્વારા આ ત્રણેય નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી, સાથેસાથે ત્રણેયની અલગઅલગ સેન્ટરમાં બદલીઓ કરી દેવામાં આવતાં, વડોદરા સહિત સમગ્ર રાજ્યના રેવન્યુ વિભાગમાં સોપો પડી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જેતે સમયે આ બિલ્ડરની એક ફાઈલ જિલ્લાકક્ષાએ દફતર થયેલી, જે મામલો હજુ સુધી ઉકેલાયો નથી. હાલમાં આ મામલે નાયબ મામલતદારો વિરુદ્ધ ફરજમાં બેદરકારી અને નૈતિક અધ:પતન મુદ્દે જ પગલાંઓ લેવાયા છે. જો તેમની સંડોવણી કોઈ આર્થિક ‘વ્યવહાર’માં ખૂલશે તો હજુ કડક પગલાંઓ લેવામાં આવશે, એમ સૂત્ર કહે છે.