Mysamachar.in-વડોદરા:
રાજ્યની મોટાભાગની કચેરીઓમાં ટેબલ નીચેનો વહીવટ જાણીતો છે અને તેમાય કેટલાક વિભાગો તો સારીપેઠે “વહીવટ” કરવા પંકાયેલા છે તેમાનો એક વિભાગ એટલે ખાણ ખનીજ વિભાગ આ વિભાગની નીતિરીતી કાયમી માટે ચર્ચાઓમાં રહી છે એવામાં એસીબીએ આખો ઘાણવો જ દઝાડી દીધો છે અને એક બોલમાં ચાર વિકેટ વડોદરા ખાતે પાડી દેતા રાજ્યભરમાં સરકારી બાબુઓમાં સોંપો પડી ગયો છે અને ખાસ તો ખાણ ખનીજ વિભાગના કેટલાક વહીવટીયા અધિકારીઓ અને કર્મચારીઓ તો બધું સમુંનમું કરવામાં પડી ગયા છે, આ ટ્રેપ અંગેની વિગતો છે કે…

આ કેસમાં ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરેલ જે અરજી માટે કચેરીમાં ફરજ બજાવતા સીનીયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલે ફરીયાદીની અરજી મંજુર કરવા અને કામ અટકાય નહિ તે માટે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે 2,00,000 ની લાંચની માંગણી કરેલ. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેવોએ એસીબીમાં ફરિયાદ આપતા તેની ફરીયાદ આધારે એસીબીએ લાંચના છટકાનુ આયોજન કરતાં ખાણ ખનીજ વિભાગ વડોદરાનો સીનીયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલે ફરીયાદીને લાંચની રકમ લઇ પ્રેમવતી, રેસ્ટોરન્ટ, BAPS હોસ્પીટલ, વડોદરા ખાતે બોલાવેલ સીનીયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલે ફરિયાદી પાસેથી સરકારી પંચોની રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયો હતો,

જે બાદ તેણે મદદનીશ ભુસ્તર શાસ્ત્રી આણંદ વર્ગ-૨ રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી, કીરણભાઈ કાન્તીભાઈ પરમાર, આઈ.ટી. એક્ઝીક્યુટીવ વર્ગ-૩ ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા અને સંકેતભાઈ પટેલ રોયલ્ટી ઈન્સ્પેકટર વર્ગ-૩ ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ વડોદરા રહે.ડાકોર જી.ખેડાને મોબાઇલ ઉપર લાંચ લેવા અંગેની સમંતિ આપી એકબીજાની મદદગારી કરી હતી જેમાં એક આરોપી ઝડપાઈ ચુક્યો છે જયારે બાકીના ત્રણને ઝડપી પાડવા એસીબી શોધખોળ આદરી છે.
