Mysamachar.in-
ગઈકાલે ગુરૂવારની સાંજથી પાકિસ્તાન દ્વારા મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરીને ભારતના વિવિધ વિસ્તારો ખાસ કરીને રાજસ્થાન સરહદે હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે ગત્ મોડી રાત બાદ કોઇ નવી ખબર નથી. આ હુમલા દરમિયાન ગુજરાતના કચ્છ પર પણ પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ થયેલો જેને ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો હતો. દરમ્યાન, આજે સવારે 10-30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સરહદી જિલ્લાઓ માટે સમીક્ષા બેઠક યોજશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ રાત્રે કચ્છમાં સૈન્ય ગતિવિધિઓ તેજ બની હતી. બ્લેકઆઉટ પણ રાખવામાં આવ્યો હતો. બિનસતાવાર રીતે એમ કહેવાયું હતું કે, પાકિસ્તાને કુલ 6 ડ્રોન દ્વારા કચ્છ પર હુમલાનો પ્રયાસ કરેલો જે પૈકી 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. બાકીના 3 ડ્રોન પરત જતાં રહ્યા હોવાનું અનુમાન છે.

દરમ્યાન, આજે વહેલી સવારે જામનગરમાં ચારેક વાગ્યા આસપાસ બ્લેકઆઉટ કરવામાં આવ્યો ત્યારે પણ એવી અફવા ઉડી હતી કે, પાકિસ્તાની ડ્રોન છેક જામનગર સુધી પહોંચી ગયું હતું અને બાદમાં તેને તોડી પાડવામાં સફળતા મળી હતી. જો કે સત્તાવાર રીતે, આવી કોઈ બાબત અંગે પુષ્ટિ આપવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ મધરાતે ગાંધીનગરમાં ઈમરજન્સી સેન્ટર ખાતે ગૃહરાજ્યમંત્રીએ એક બેઠક યોજી હતી. સ્થિતિઓની સમીક્ષા કરી હતી. આજે અત્યારે CM સરહદી જિલ્લાઓની તૈયારીઓ અંગે સમીક્ષાઓ કરશે. લોકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા કહેવાયું છે. જો કે, ઠેરઠેર લોકો પોતાની રીતે મનઘડંત વાતો અને અનુમાનો વહેતા મૂકી રહ્યા છે. આજે 10-30 વાગ્યા બાદ સરકાર સ્તરે સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવશે.
