Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરૂવારે કમિટીના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં ગાર્બેજ કલેક્શનની વિવાદાસ્પદ માનવામાં આવતી કરોડો રૂપિયાની દરખાસ્ત આખરે પેન્ડિંગ રાખવી પડી છે કેમ કે, આ મામલે વિપક્ષના આરોપ ઉપરાંત શાસકપક્ષમાં પણ ખાનગી મતભેદો તીવ્ર બની ગયા હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે. કમિટીના બેઠક સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા મોડેમોડે પણ ભારે વિરોધ પ્રદર્શન થયું..જો કે તેમાં પણ કોર્પોરેશનના નેતા વિપક્ષ કે સભ્યો દેખાયા ન હતાં.
આજની સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં આ દરખાસ્ત 12મી આઈટમ તરીકે સમાવિષ્ટ કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્ત કમિટીએ મંજૂર કરવાનું ટાળી દીધું છે. જે અંગે કોર્પોરેશનમાં મોટો ઉહાપોહ ચાલી રહ્યો છે. આ એજન્ડા આઈટમમાં કમિશનરની દરખાસ્ત તરીકે જણાવાયું છે કે, વાહનો મારફતે ગાર્બેજ કલેક્શનનું કામ, ચોક્કસ સેન્ટર બનાવવા માટેની કેપિટલ કોસ્ટ અને મેન્ટેનન્સ એન્ડ ઓપરેશનનું કામ તથા શહેરના 16 વોર્ડમાં 2 અલગઅલગ ઝોનમાં માત્ર ઓપરેશનનું કામ એમ કુલ 3 વિભાગ પાડવામાં આવ્યા છે. જો કે, આ દરખાસ્તમાં કરોડોના આ કામ અંગે કમિટી એજન્ડામાં જરૂરી સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી, જે સૂચક છે.

આ એજન્ડા આઈટમ સંબંધે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાએ કોર્પોરેશન સત્તાવાળાઓને સ્ફોટક પત્ર લખ્યો છે. આ પત્ર મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા કમિશનર- એમ 3 મહાનુભાવોને આપવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગાર્બેજ કલેક્શનના કામની આ દરખાસ્ત રદ્દ કરવામાં આવે. ભાજપાના લગત કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું આ મસમોટું કૌભાંડ હોય, આ દરખાસ્તની વિજિલન્સ તપાસ થવી જોઈએ.
કોંગ્રેસના આ પત્રમાં જણાવાયું છે કે, આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવે. શહેરમાં કચરો ઉપાડવાનો વાર્ષિક ખર્ચ આશરે રૂ. 30-32 કરોડ થાય છે. તેની સામે 10 વર્ષ માટેનું ટેન્ડર આશરે રૂ. 900 કરોડનું બહાર પાડવામાં આવ્યું છે. આથી મહાનગરપાલિકાની તિજોરીને ભયંકર આર્થિક નુકસાન થશે. કોર્પોરેશને કયારેય એક સાથે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો નથી. અઢી વર્ષની સારી કામગીરીઓ બાદ કોન્ટ્રાક્ટ બીજા અઢી વર્ષ માટે રિન્યુ કરવાની પરંપરા છે.
કોંગ્રેસ અધ્યક્ષે પત્રમાં વધુમાં કહ્યું છે કે, આ કોન્ટ્રાક્ટ અપાશે તો કોર્પોરેશનમાં પગારના પણ ફાંફા થશે. કચરા સંબંધિત હાલના 2 પ્લાન્ટમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર અને પ્લાન્ટ બંધની સ્થિતિઓ છે. કોર્પોરેશને અગાઉ આ ગાર્બેજ કલેક્શન ટેન્ડર રૂ. 473 કરોડનું બહાર પાડી, રદ્દ કર્યું અને સુધારીને રૂ. 900 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ બધી જ બાબતો શંકા ઉપજાવનારી છે. તેની તપાસ થવી જોઈએ. આ મસમોટું કૌભાંડ છે અને તેમાં પદાધિકારીઓ પણ સંડોવાયેલા છે. સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસની માંગ પણ આ પત્રમાં થઈ છે.

-દરખાસ્ત પેન્ડિંગ શા માટે ?: ખુદ ચેરમેન સ્વીકારી રહ્યા છે કે..
અત્રે ઉલ્લેખનિય છે કે, ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરાએ મીડિયા સમક્ષ સ્વીકારે છે કે, ગત્ સ્ટેન્ડિંગ બેઠકમાં આ અંગે પ્રેઝન્ટેશન થયેલું જેમાં કેટલીક કવેરી સભ્યો દ્વારા આવતાં આ તમામ કવેરીના સંતોષકારક જવાબો મેળવવા આ દરખાસ્ત હાલ પેન્ડિંગ છે. ટૂંકમાં, શાસકપક્ષ પણ સ્વીકારે છે કે, આ પ્રકરણમાં ઉતાવળ કરી શકાય એમ નથી.
-વિપક્ષ નેતા તથા સભ્યોની ગેરહાજરી અંગે કોંગ્રેસ અધ્યક્ષ કહે છે…
આજે કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ તરફથી આ એજન્ડા બાબતે જે વિરોધ નોંધાવવામાં આવ્યો તેમાં વિપક્ષ નેતા અને સભ્યો હાજર ન હતાં તેથી આ બાબતે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં પક્ષની સેન્સ પ્રક્રિયાઓ ચાલી રહી હોય વિપક્ષ નેતા ત્યાં છે અને સભ્યોએ આજની રજાના રજા રિપોર્ટ મોકલાવ્યા છે.!!!
