Mysamachar.in-કચ્છ:
કચ્છના મુખ્ય શહેર ભૂજના પાલારા નજીક ખાવડા NH પર ભયાનક ટ્રીપલ અકસ્માત સર્જાતા એક યુવા દંપતિ તથા તેના માસૂમ બાળકનું એમ કુલ 3 મોતને કારણે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક પરિવાર સુમરા પરિવાર હોવાનું જાહેર થયું છે.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ય વિગતો એવી છે કે, એક સુમરા પરિવારનું દંપતિ પોતાના નાના બાળક સાથે બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે, ખાવડા નેશનલ હાઈ-વે પર જેલ નજીકના વિસ્તારમાં એક ડમ્પર તથા એક ટ્રેલર અને આ બાઈક એમ કુલ 3 વાહનોની આપસમાં ટક્કર થતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો.
આ અકસ્માતમાં બાઈકચાલક ઈમરાન જુણા સુમરા(25), તેની પત્ની ઝરીના ઈમરાન સુમરા(22) અને આ દંપતિના માત્ર 4 વર્ષના બાળક ઈમ્તિયાઝ ઈમરાન સુમરા એમ 3 પરિવારજનના મોત થયા છે, આ વિગતો વાયુવેગે ફેલાઈ જતાં સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અકસ્માત એટલો ભયાનક રહ્યો કે, સુમરા પરિવારના આ ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજી ગયા. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિકો અને બાદમાં 108ની ટીમ તથા ત્યારબાદ સ્થાનિક પોલીસ બનાવની જગ્યા પર પહોંચી ગયા. તે દરમિયાન ત્રણેય મૃતદેહને નજીકમાં ભૂજની જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા.
ભૂજની બી ડિવિઝન પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો સંભાળી અકસ્માતનું ખરૂં કારણ જાણવા સહિતની ધોરણસરની કાર્યવાહીઓ હાથ ધરી છે. સમગ્ર કચ્છના સુમરા સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો છે. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં અને સમગ્ર દ્રશ્ય ભયાવહ ભાસી રહ્યું છે. પોલીસે પંચનામું વગેરે ગતિવિધિઓ હાથ ધરી છે.