Mysamachar.in-અમદાવાદ:
ઓનલાઈન છેતરપિંડીઓ સૌથી વધુ ચર્ચાઓમાં રહેતો વિષય છે, કારણ કે આ સંબંધે આટલાં બધાં સમાચારો આવી રહ્યા છે છતાંય રાજ્યમાં હજારો લોકો પતંગિયા બની આગમાં કૂદે છે અને તેમના નાણાં ‘સળગી’ જાય છે. છેતરપિંડીઓના વધુ ને વધુ કિસ્સાઓ બની રહ્યા છે, જે ખુદ એક અચરજ છે. ગુજરાતીઓ નાણાં બાબતે આટલાં ભોળા ?!…
વર્ષ 2020-21 થી વર્ષ 2022-23 એમ કુલ ત્રણ વર્ષ દરમિયાનના સાયબર ગુનાઓના આંકડા જાહેર થયા. જે દેખાડે છે કે, છેતરપિંડીઓ વધી રહી છે. લોકોમાં જાગૃતિ વધતી નથી. અથવા, લોકોમાં લાલચો વધી રહી છે ! વધુ ને વધુ નાણું ઓનલાઈન છેતરપિંડીઓમાં ‘ભૂત’ થઈ રહ્યું છે !
ગુજરાતમાં વર્ષ 2020-21માં 3,127 લોકો ઓનલાઈન લિંકથી થતી છેતરપિંડીઓનો શિકાર બન્યા હતાં. પછીના વર્ષ દરમિયાન એટલે કે, વર્ષ 2021-22 માં 7,225 લોકો આ રીતે છેતરાયા. અને, વર્ષ 2022-23 માં આ રીતે ઓનલાઈન છેતરાઈ જનારાઓની સંખ્યા વધીને 11,147 થઈ ગઈ ! 3 વર્ષ દરમિયાન કુલ 21,549 લોકો છેતરાયા એવું ફરિયાદના આંકડા કહે છે.
આ છેતરપિંડીઓમાં વર્ષ 2020-21 માં લોકોએ 2.81 કરોડ રૂપિયા ગુમાવ્યા. તે પછીના વર્ષે લોકોએ રૂ. 14.75 કરોડ ગુમાવી દીધાં. અને, વર્ષ 2022-23 માં ઓનલાઈન લિંક ક્લીક કરીને લોકોએ રૂ. 23.57 કરોડ ગુમાવવાનો વારો આવ્યો. લોકો જુદાજુદા કારણોસર લિંક ખોલી રહ્યા છે અને શિકાર બની રહ્યા છે, એમ ફરિયાદો કહી રહી છે.
જે નાણું ઓનલાઈન છેતરપિંડીઓમાં ગયું તેમાંથી 21 ટકા નાણું અમે પરત મેળવી લીધું એમ તપાસ એજન્સીઓ કહે છે. પરંતુ કુલ નાણાં પૈકી માત્ર 13 ટકા નાણું ફરિયાદીઓને પરત પ્રાપ્ત થયું. બાકીનું 8 ટકા નાણું પ્રોસેસમાં અટવાયેલું પડ્યું છે, જે પરત મળશે કે કેમ, તે હાલ નક્કી નથી.
આ બધાં જ આંકડા ગુજરાત સરકારે વિધાનસભા વેબસાઈટ પર મૂક્યા છે. કુલ 41 કરોડ છેતરપિંડીઓમાં ગયા જે પૈકી રૂ. 8.89 કરોડ રૂપિયા રિકવર થયાનો સાયબર ક્રાઈમ વિભાગનો દાવો છે. જો કે, રૂપિયા ગુમાવનાર ફરિયાદીઓને માત્ર રૂ. 5.39 કરોડ પરત મળેલ છે, બાકીનું રૂ. 36 કરોડ જેટલું નાણું ગુનેગારો લઈ ગયા.
