Mysamachar.in-જામનગર:
જામનગરમાં બર્ધનચોક વિસ્તાર વર્ષોથી ચર્ચાઓમાં છે. અહીં આટલાં વર્ષોમાં, એક પણ અધિકારી પ્રશ્નો ઉકેલવામાં સફળ રહ્યા નથી. અહીં આટલાં વર્ષોમાં, એક પણ નેતા કે કહેવાતા આગેવાનો, કશું જ કરી શક્યા નથી. વર્ષોથી બધાં જ પ્રશ્નો યથાવત્ છે. અને, વર્ષોથી કહેવાતી કામગીરીઓના નાટકો પણ ચાલુ છે. જેને કારણે લોકો હવે સૌ સંબંધિતો પ્રત્યે શંકાની નજરથી જ જૂએ છે.
આ સમગ્ર વિસ્તાર ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના લોકો માટે રાજાશાહીના જમાનાથી ખરીદીનું મુખ્ય મથક છે, અને આ પ્રકારના વિસ્તારો રાજ્યના બધાં જ શહેરોમાં છે. જામનગરમાં નવી નવાઈ નથી. અહીં અનેક વખત ઉચ્ચ અધિકારીઓએ તથા પૂર્વ મેયરો સહિતના અસંખ્ય મહાનુભાવોએ પણ પહોચ્યા છે, અહીં એસટી તથા સિટી બસને પણ દોડાવવામાં આવી. અનેકવખત વેપારી આગેવાનોએ પણ ફોટોસેશન કરાવી લીધાં, પોલીસ અધિકારીઓએ પણ દંડૂકડી પછાડી લીધી. પછી પણ, વર્ષોથી બર્ધનચોક બર્ધનચોક જ રહ્યો છે. અહીં કોઈનું કશું ઉપજતું નથી. કેમ ?
આ તમામ પ્રશ્નો વર્ષોથી યથાવત્ હોય, લોકો બે પ્રકારની શંકાઓ કરી રહ્યા છે. એક: પ્રશ્નો ઉકેલવાની કોઈની દાનત નથી. બે: આ પ્રશ્નો કાયમ સળગતા રાખવામાં અને નાટકો કરવામાં સૌને રહસ્યમય રીતે ‘રસ’ છે. લોકોની શંકાઓ સત્યની નજીક હોવાનું એટલાં માટે દેખાઈ રહ્યું છે કેમ કે, આ મામલે કોઈ કાચો પાપડ હજુ સુધી તોડી શક્યું નથી. હંગામી પોલીસચોકીની વધામણી ખાતા શાસકો એ મુદ્દે મૌન છે કે અહીં મહિલાઓ માટે અતિજરૂરી એવી યુરિનલ વ્યવસ્થાઓ શા માટે તોડી પાડવામાં આવી ? લોકો જાણે જ છે કે, આ વિસ્તારમાં દબાણ મુદ્દે પાથરણાં કે રેંકડીવાળા અથવા દુકાનો ધરાવતા કોઈ પણ- દૂધે ધોયેલા નથી. આ વિસ્તારની આ બધી ચર્ચાઓ હવે નગરજનોને કંટાળો આપી રહી છે.