Mysamachar.in-જામનગર:
જામનગરના વકીલોએ દસ્તાવેજ નોંધણી સમયે થતી કેટલીક મુશ્કેલીઓ નિવારવા નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ગુજરાત સરકારને રજૂઆત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્થાવર મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવવાની પ્રથા અમલમાં છે અને તેની ડેટા એન્ટ્રી કરતી વખતે આધાર કાર્ડની વિગતો દાખલ કરવાની ફરજિયાત રહે છે. જેના કારણે જેઓ પાસે આધાર કાર્ડ ન હોય (ખાસ કરીને NRI ના કિસ્સામાં આધાર કાર્ડ ન હોય) તો તેવા કિસ્સામાં દસ્તાવેજ નોંધણી અંગેની એપોઈન્ટમેન્ટ મેળવી શકાય નહીં. જે યોગ્ય નથી તેમજ દસ્તાવેજ નોંધણીમાં આધાર કાર્ડ ફરજિયાત કરવું પણ કોઈપણ રીતે યોગ્ય નથી. અને આધાર કાર્ડ ફરજિયાત કરવાથી તેનું ઓનલાઇન પ્રમાણીકરણ કરવાની પ્રક્રિયામાં પણ ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે હકીકત ધ્યાને લઈને ઓનલાઈન એપાઈન્ટમેન્ટ ની પ્રક્રિયામાં આધાર કાર્ડની વિગતો દાખલ કરવામાંથી મુક્તિ આપવી જોઈએ
વધુમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટમાં પક્ષકારોના સરનામાં દાખલ કરતી વખતે ભારત દેશના રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ જ સિલેક્ટ થઈ શકે છે. કોઈ વિદેશમાં વસવાટ કરતા હોય તો પણ તેમની એન્ટ્રી કરતી વખતે ફરજિયાત આપણા રાજ્ય, જિલ્લો, તાલુકો પસંદ કરવો પડે છે. ખરી હકીકતે દસ્તાવેજના પક્ષકાર જયા વસવાટ કરતા હોય ત્યાંનું સાચું સરનામું તેના દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા સાથે લખાય શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ, તેથી તે અંગે ગરવીમાં સુધારો કરવો જોઈએ
તેમજ અધૂરા બાંધકામ વાળી મિલકતના દસ્તાવેજના કિસ્સામાં જેટલા ક્ષેત્રફળનું બાંધકામ હોય, તે મુજબ જ રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી ની વસૂલાત કરવામાં આવે અને તે મુજબ દસ્તાવેજની નોંધણી થાય તેવી વ્યવસ્થા કરવા જરૂરી આદેશ થવા વિનંતી છે. આજે જામનગરના વકીલો દ્વારા ઉપરોકત તમામ મુદ્દાઓ અંગે રાજ્ય લેવલે ઈ મેઇલ દ્વારા રજૂઆત કરાઈ છે.