Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ 3 બનાવોમાં કુલ 4 લોકો ગૂમ થયાની વિગતો બહાર આવવા પામી છે. જે પૈકી એક યુવતિ જામનગરની કોલેજ હોસ્ટેલમાંથી ગૂમ થતાં ચકચાર મચી છે.
જાહેર થયેલી વિગત અનુસાર, જામનગરમાં રામેશ્વરનગર વિસ્તાર નજીક ફિઝિયોથેરાપી કોલેજ તથા છાત્રાઓ માટેની હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલમાંથી એક યુવતિ ગૂમ થઈ છે. આ યુવતિનું નામ જેન્સી રજનીભાઈ ગજેરા અને તેણી સુરતની વતની હોવાની જાણ થઈ છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામથકે રહેતી અને એક દુકાનમાં નોકરી કરતી મિત્તલ મહેતા નામની યુવતી ગૂમ થયાની વિગત બહાર આવી છે. આ યુવતિ ચૂંટણીકાર્ડનું કામ છે એમ કહી દુકાનેથી ગયા બાદ પરત ફરી નથી.

ગૂમ થયાનો અન્ય એક બનાવ જામનગર નજીકના હાપા વિસ્તારમાં નોંધાયો છે. એક પરણિતા પોતાના પુત્ર સાથે ગૂમ હોવાનું જાહેર થયું છે. હાપા વિસ્તારમાં રહેતી ભારતીબેન હિતેશભાઈ ડાભી નામની મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે ગૂમ થયાની જાણ પોલીસમાં કરવામાં આવતા ચકચાર મચી છે. આ પરણિતા બાળક સાથે પોતાના ઘરેથી ગૂમ થઈ છે. ભારતીબેનના પતિ હિતેશભાઈ ડાભીએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની પુત્ર સાથે ગૂમ થયાની જાણ કરી છે. આમ જામનગર શહેર પંથક અને જિલ્લામાં કુલ ચાર લોકો ગૂમ થયાનું જાહેર થતાં ચર્ચાઓ ઉઠી છે.