Mysamachar.in-અમદાવાદ:
પ્રેમ અને સ્ત્રી-પુરુષ સંબંધોની બાબતમાં સમાજમાં અનેક પ્રકારના વલણો જોવા મળી રહ્યા છે અને ઘણાં કિસ્સાઓમાં, ખાસ કરીને મહિલાઓએ ખૂબ જ યાતના સહન કરવી પડતી હોય છે. આવો એક ક્ષોભજનક બનાવ તાજેતરમાં દાહોદ જિલ્લામાં બની ગયો. એક યુવાન મહિલાને ગામના કેટલાક લોકોએ અર્ધનગ્ન સ્થિતિમાં ક્રૂર રીતે દોડાવી અને માર પણ માર્યો. આ સમગ્ર બનાવનો વીડિયો વાયરલ પણ થયો. આથી રાજ્યભરમાં ખાસ કરીને મહિલાવર્ગમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખુદ હાઇકોર્ટે આ મુદ્દે આપમેળે સંજ્ઞાન લઈ, સરકારને જરૂરી નિર્દેશ આપ્યા છે. વીડિયો વાયરલ થવાની ઘટનાને અદાલતે ગંભીર લીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બે દિવસ અગાઉ બપોરના સમયે એક વીડિયો વાયરલ થયેલો. જેમાં કેટલાંક લોકો એક મહિલાને વાહન પાછળ બાંધી દોડાવી રહ્યા હતાં. માર મારી રહ્યા હતાં. અને આ મહિલાના શરીર પર પૂરતાં વસ્ત્રો ન હતાં. આ વીડિયો દાહોદ જિલ્લાનાં સાંજેલી ગામનો હોવાનું બહાર આવ્યું. કહેવાય છે કે, આ મહિલા પરણિત છે અને પોતાના એક પ્રેમી સાથે સંબંધ ધરાવે છે. આ મહિલાની બિરાદરીના કેટલાંક લોકોને આ બાબત પસંદ ન હતી તેથી આ લોકોએ કાયદો હાથમાં લઈ, જંગલી પદ્ધતિએ આ મહિલા પર અત્યાચાર કર્યો. આ બનાવ બાદ જો કે દાહોદ પોલીસે એક ડઝન શખ્સોની અટકાયત પણ કરી છે.
દરમિયાન, વડી અદાલતે આ ઘટનાનું સંજ્ઞાન લઈ સુઓમોટો અરજી દાખલ કરી. અદાલતે રાજ્યના ગૃહવિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે શી કાર્યવાહીઓ કરવામાં આવી, તે જાણવા એક્શન ટેકન રિપોર્ટ ATR દાખલ કરવા કહેવાયું છે. આ ઉપરાંત અદાલતે કહ્યું કે, આ પ્રકારના વીડિયોઝ વાયરલ થતાં શી રીતે અટકાવી શકાય ? તથા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે અટકાવી શકાય, તે અંગે પણ સરકાર અદાલતને જણાવે.
આગામી 12 ફેબ્રુઆરીએ સરકાર વડી અદાલતના મુખ્ય જજની બેન્ચ સમક્ષ વિગતો રજૂ કરશે. આ ઘટનાની પીડિત મહિલા સહિતની આ પ્રકારની મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય, મેડિકલ સારવાર અને સુરક્ષા બાબતે કેવા પ્રકારના પગલાંઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે, એ અંગે સરકાર જવાબ આપશે.(file image)
								
								
															
			
                                
                                
                                



							
                