Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ ઠરાવ કર્યો છે. રાજ્યમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના આમ તો વર્ષ 2007/08થી અમલમાં છે. હવે સરકારે એક ઠરાવ દ્વારા જાહેર કર્યું કે, મહેસૂલ વિભાગના 54 પ્રકારના પ્રમાણપત્ર અને સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગની 13 સેવાઓના પ્રમાણપત્ર હવેથી અરજદારોને પોતાની ગ્રામ પંચાયત ખાતેથી જનસેવા કેન્દ્ર મારફતે મળી જશે. હવે ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ 67 પ્રકારના પ્રમાણપત્ર માટે તાલુકા અથવા જિલ્લામથકોએ ધક્કા ખાવા નહીં પડે.
સરકારે જાહેર કર્યું છે કે, માત્ર 20 રૂપિયા ફી ભરવાથી આ 67 પૈકી કોઈ પણ પ્રમાણપત્ર જનસેવા કેન્દ્રમાં ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી સાત બારનો દાખલો, ગામનો નમૂનો, આવકનો દાખલો, રેશનિંગ કાર્ડ કે તેમાં નામ ઉમેરો અથવા નામ કાઢવું, સિનિયર સિટીઝનનું અને વિધવા પ્રમાણપત્ર જેવા કામો ગ્રામ્ય કક્ષાએ થઈ જતાં હતાં. હવે આ સેવાઓ વિસ્તારવામાં આવી છે.
હવે ગ્રામ્ય કક્ષાએ મહેસૂલ વિભાગના વારસાઈ, સોલવન્સી, અધિનિવાસી, દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, કેરેક્ટર પ્રમાણપત્ર તથા લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એ હેઠળની મંજૂરી સહિતના કુલ 54 પ્રકારના પ્રમાણપત્ર ગ્રામ્ય કક્ષાએ મળી જશે. આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પ્રમાણપત્ર, નોન ક્રિમીલેયર અંગેનું ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર તથા જ્ઞાતિનો દાખલો સહિતની કુલ 13 સેવાઓ માટેના પ્રમાણપત્ર પણ ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થશે. લોકો એવી આશા રાખી રહ્યા છે કે, આ પ્રકારના ઓનલાઈન કામો માટે કોઈ પણ પ્રકારનો નૈવેદ્ય ગ્રામ્ય કક્ષાએ ધરવો ન પડે એવી વ્યવસ્થાઓ જિલ્લા તંત્ર ગોઠવી આપે. કેમ કે સૌને ખ્યાલ છે કે, તાલુકા અને જિલ્લાકક્ષાએ પણ ઓનલાઈન કામોમાં ભ્રષ્ટાચારને સંપૂર્ણ નાબુદ કરી શકવામાં તંત્રો સફળ રહ્યા નથી.