Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં નમકનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે. દેશભરમાં લાખો એકર જમીન આ હેતુ માટે જેતે સમયે સંપાદિત થયેલી છે. સૂત્ર અનુસાર, આ જમીનો પૈકી હજારો એકર જમીનો એવી છે જે આજની તારીખે અલગઅલગ કારણોસર બિનવપરાશી છે, કેન્દ્ર સરકાર આ પ્રકારની વધારાની જમીનો રહેણાંક પ્રોજેક્ટ તથા અન્ય ઉદ્યોગોને ફાળવે તેવી શકયતાઓ છે.
કેન્દ્ર સરકારે આ માટે એક રિવાઈઝ પોલિસી તૈયાર કરી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. આ નવી પોલિસી અંતર્ગત સરકારની ગણતરીઓ એવી છે કે, આ જમીનો પૈકી 60,000 એકર જમીન એવી છે જેનો હાલ નમક ઉત્પાદન માટે ઉપયોગ થતો નથી. આ વધારાની જમીનો પર રહેણાંક પ્રોજેક્ટ સ્થાપી શકાય અથવા રિન્યુએબલ એનર્જી સહિતના ઉદ્યોગોને આ જમીનો ફાળવી શકાય એમ છે.
આ દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે. આ નિર્ણય અમલના તબક્કે આવશે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારની હજારો એકર જમીન ‘છૂટી’ થશે, કેમ કે સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત ધરાવતું હોય, રાજ્યમાં નમક ઉદ્યોગનું કદ મોટું છે. રાજ્યમાં સોલ્ટ ઉદ્યોગ પાસે આ પ્રકારની બિનવપરાશી જમીન મોટાં પ્રમાણમાં હોવાનું સાદું અનુમાન થઈ શકે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઘણાં બધાં સોલ્ટ વર્કસ છે, આ એકમોની વધારાની જમીનો છૂટી થાય તો, રહેણાંક અને ઉદ્યોગ પ્રોજેક્ટસ માટે હજારો એકર જમીન પ્રાપ્ત થઈ શકે, એમ આ સોલ્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળ જણાવી રહ્યા છે.