Mysamachar.in-ગાંધીનગર:
આજે દેશ અને રાજ્ય ગ્લોબલ વોર્મિંગની અસરોમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટે ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો વધુમાં વધુ રસ્તાઓ પર દોડતા થાય તેના માટે સરકાર દ્વારા સબસીડી સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં ધોરણ 9 થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા કુલ 53,000 વિદ્યાર્થીઓ જેમને ઈલેકટ્રીક વાહનો ખરીદ્યા તેને 56 કરોડથી વધુ રકમની સહાય ચુકવેલ છે.
મંત્રી મુળુભાઈ બેરાએ વધુમાં જણાવતા કહ્યુ હતું કે, સરકારની યોજના અંતર્ગત ત્રિચક્રીય વાહન ઉપર રૂ. 48 હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂ. 12 હજારની સહાય મળવા પાત્ર છે. આ સહાય ડારેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT દ્વારા ચૂકવવામાં આવે છે. આ દ્વિચક્રીય વાહન ચલાવવાનો ખર્ચ અંદાજે માત્ર 20 પૈસા પ્રતિ કી.મી. જેટલો છે. ત્રિચક્રીય વાહન યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 925 લાભાર્થીઓ લાભાન્વિત થયા છે.
વર્ષ 2024/25 દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા દ્રિચક્રીય વાહનો માટે 7500 તેમજ ત્રિચક્રીય વાહનો માટે 1000 નો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આ વાહનો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતા નથી ઉપરાંત, ગ્લોબલ વર્મિંગ, હવા તેમજ ધ્વની પ્રદૂષણમાં ઘટાડો કરે છે. પરંપરાગત વાહનોની તુલનામાં વિદ્યુત/ઇલેક્ટ્રિક વાહનોથી પ્રદૂષણ લગભગ શૂન્ય હોય છે, જેનાથી સ્વચ્છ હવા અને સ્વસ્થ પર્યાવરણનો અનુભવ કરી શકાય છે.(Image source:gujarat information department)