Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
સમગ્ર રાજ્યમાં તળાવો અને સરોવરો સહિતના જળાશયોની સ્થિતિ અંગે રાજ્યની વડી અદાલતે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે, આ મામલો વડી અદાલતમાં આવ્યો તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો અંગે પણ અદાલતે નોંધ લીધી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં આ મુદ્દે સર્વેનો પણ આદેશ થયો છે.
રાજ્યની વડી અદાલતે રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટર અને જિલ્લાઓના વનવિભાગના અધિકારીઓને કહ્યું છે કે, હાલમાં ચોમાસા દરમિયાન જ રાજ્યના તમામ જળાશયો અંગે સર્વે કરવાનો રહેશે. આ સર્વે હાથ ધરવામાં આવે ત્યારે, જંગલ- અભ્યારણ્ય વિસ્તાર, અનામત વન વિસ્તાર તેમજ બફર ઝોનમાં આવેલાં તથા તમામ જિલ્લાઓમાં આવેલાં બધાં જ તળાવ અને સરોવરો સહિતના જળાશયોનો સર્વે કરવાનો રહેશે. જેમાં ડીટેઈલ સર્વે, જળાશયોની ઓળખ, જેતે વિસ્તારના રેવન્યુ રેકર્ડ વગેરેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી અદાલતમાં રજૂ કરવાનો રહેશે.
વડી અદાલતની ખંડપીઠે રાજ્યના જળાશયોના પુરાણ અને તેના અસ્તિત્વને ખતમ કરવાની અનઅધિકૃત પ્રવૃતિઓ પરત્વે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને આવા જળાશયોને તેના મૂળ સ્વરૂપે જાળવી રાખવા અને તેનું જતન કરવાની હિમાયત કરી હતી. સર્વે રિપોર્ટ સાથે તમામ જળાશયોના લેટેસ્ટ, હાલના ચોમાસાના ફોટોગ્રાફસ રજૂ કરવા કહેવાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળાશયોમાં ગેરકાયદેસર રીતે પુરાણ થયાના મામલે અદાલતની અવમાનનાની જે નોટિસ આપવામાં આવેલી તે બાબત ખંડપીઠના ધ્યાન પર આવતાં અદાલતે આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લીધી અને જળાશયોમાં આ પ્રકારના પુરાણને લીધે ઈકો સિસ્ટમ પર પણ ગંભીર અને વિપરીત અસરો થઈ હોવાની માર્મિક ટકોર કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રકારના હીન પ્રયાસોને કારણે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જલભરાવ થતો હોય છે. વડી અદાલતે આ હુકમની નકલો સર્વે સંબંધિતોને પહોંચતી કરવા કહ્યું છે. અદાલતે આ હુકમમાં એવી પણ સ્પષ્ટતાઓ કરી છે કે, જેતે જિલ્લાના શહેરી વિસ્તાર અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારોમાં આવતાં તમામ જળાશયોની હાલની સ્થિતિ અંગે અલગથી રિપોર્ટ દાખલ કરવાના રહેશે.