Mysamachar.in-
જામનગર શહેર પંથક અને જિલ્લામાં મેઘરાજાએ વધુ એક વખત મહેર કરી છે, ઝરમરથી માંડીને ધીંગો વરસાદ જુદાં જુદાં પંથકોમાં જોવા મળે છે. પાછલાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર પંથકમાં નોંધાયો છે. તેની સાથેસાથે જિલ્લાના 10 જેટલાં જળાશયોમાં પાણીની વધુ આવકો પણ થઈ છે. ધ્રોલ પંથકમાં જો કે આ વરસાદની વીજે એક દંપતિનો ભોગ લઈ લીધો છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં માત્ર ઝરમર વરસાદ નોંધાયો છે. જોડિયા અને લાલપુરમાં પણ માત્ર છાંટા જ પડ્યા છે. ધ્રોલમાં અઢી ઈંચ જેટલો અને કાલાવડ પંથકમાં પોણાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ જામજોધપુર શહેર પંથકમાં નોંધાયો છે. ધ્રોલના સુમરાગામ વાડી વિસ્તારમાં જયેશભાઈની વાડીમાં રહેતું એક ખેતમજૂર દંપતિ વરસાદી વીજળીનો ભોગ બન્યું છે. આ પુરૂષનું નામ મગન ભૂરીયા અને તેમના પત્નીનું નામ રમાબેન તથા બંનેની અંદાજિત ઉંમર 40 વર્ષ આસપાસ હોવાનું જાહેર થયું છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને જામજોધપુર, કાલાવડ તથા ધ્રોલ પંથકમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધુ 6-6 ઈંચ જેટલો વરસાદ જામવાડી અને ધ્રાફામાં નોંધાયો છે. વાંસજાળીયા અને પરડવા વિસ્તારોમાં 5-5 ઈંચ વરસાદ, ધુનડા અને નિકાવામાં સાડા ત્રણ ઈંચ જેટલો, મોટા વડાળા, સમાણા અને શેઠવડાળામાં 3 ઈંચ જેટલો અને લૈયારા, ભલસાણ બેરાજા અને નવાગામમાં એક દોઢ ઈંચ જેટલો વરસાદ તથા મોટા પાંચ દેવડા અને ભણગોર પંથકમાં પણ દોઢેક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન જોડિયામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. પાછલાં 24 કલાકમાં પડેલાં આ વરસાદને કારણે જિલ્લાના ઉંડ-1, ઉમિયાસાગર, વાગડીયા,ઉંડ-4, સસોઈ-2,રૂપારેલ, ફૂલઝર કોબા તથા ફૂલઝર-2 સહિતના ડેમોમાં નવા પાણીની વધુ આવક થઈ છે. આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન જિલ્લામાં વાતાવરણ વરસાદી રહ્યું હતું પરંતુ છૂટાંછવાયા વિસ્તારોમાં માત્ર ઝાપટાં જ નોંધાયા હતાં.