Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણાં બધાં તાલુકામાં ફરી એકવાર મેઘરાજાએ સક્રિયતા દેખાડી છે, રાજ્યના 121 તાલુકાઓમાં વરસાદના વાવડ છે. હાલારના બંને જિલ્લાઓમાં પણ, બધાં જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ જામજોધપુર અને ભાણવડ તાલુકામાં નોંધાયો છે. જો કે વરસાદની સાથેસાથે વીજળી પણ ત્રાટકતાં 3 માનવજિંદગીનો ભોગ લેવાયો છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામજોધપુર તાલુકાના સમાણામાં સાડા ત્રણ ઈંચ જેટલો નોંધાયો છે. અને, દ્વારકા જિલ્લાના ભાણવડમાં પણ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ, જામજોધપુર અને જામનગર તાલુકામાં વીજળીએ 2 પુરૂષ અને 1 મહિલાનો ભોગ લીધો છે.
જામનગરમાં કાલે મંગળવારે સાંજે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં 1 ઈંચ કરતાં થોડો ઓછો વરસાદ નોંધાયો. જોડિયામાં સવા ઈંચ જેટલો, ધ્રોલમાં પોણો ઇંચ જેટલો, કાલાવડમાં અડધો ઈંચ જેટલો, લાલપુરમાં દોઢ ઈંચ કરતાં વધુ અને જામજોધપુર તાલુકામથકે પોણાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો. એ જ રીતે આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન દ્વારકામાં હળવા ઝાપટાં પડ્યા, ખંભાળિયામાં પોણો ઇંચ જેટલો, કલ્યાણપુરમાં સવા ઈંચ જેટલો અને ભાણવડ શહેર પંથકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો. કલ્યાણપુર તાલુકાના ભાટીયા અને જામરાવલ સહિતના પંથકમાં પણ નોંધપાત્ર વરસાદના વાવડ છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૈકી સૌથી વધુ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ સમાણામાં નોંધાયો, હડીયાણામાં ત્રણ ઈંચ જેટલો, મોટી બાણુંગાર, બાલંભા, ભલસાણ બેરાજા, નિકાવા, શેઠ વડાળા તથા ધ્રાફા સહિતના પંથકમાં 2 થી માંડીને અઢી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વસઈ, ફલ્લા, દરેડ, પીઠડ , મોટા વડાળા, નવાગામ, મોટા પાંચ દેવડા, જામવાળી, વાંસજાળિયા, ધુનડા, પરડવા, પીપરટોડા, મોટા ખડબા, મોડપર તથા હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી માંડીને દોઢ બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
દરમિયાન એમ પણ જાણવા મળેલ છે કે, જામજોધપુર તાલુકામાં 2 પુરૂષ અને જામનગર તાલુકામાં એક મહિલાનો વીજળી ત્રાટકતા ભોગ લેવાયો છે. જામજોધપુરના બુટાવદરમાં 55 વર્ષના ખેડૂત કિરીટસિંહ ઝાલા વાડીએ હતાં ત્યારે બપોરે આશરે સાડા ચાર વાગ્યા આસપાસ વીજળી પડતાં તેમનું તત્કાલ મૃત્યુ નીપજયું હતું . આ ઉપરાંત નરમાણાના ખેત મજુરી કરતા 30 વર્ષીય મગન ભુરીયાનું વીજળીને કારણે મોત થયું છે. જામનગર તાલુકાના દોઢીયામાં રહેતાં અને ખેતીકામ કરતાં નેમીશાબેન ટીગર નામના શ્રમજીવી મહિલાનું વીજળીને કારણે મોત થયું છે. અલ્પેશ નામનો 18 વર્ષનો યુવાન વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી ગયો હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.