Mysamachar.in-અમદાવાદ:
પહેલી જૂલાઈ 2024થી જામનગર સહિત સમગ્ર દેશમાં 3 નવા ફોજદારી કાયદાઓ અમલમાં મૂકાયા છે, જામનગરમાં તો પહેલી જૂલાઈ અગાઉથી જ નવા કાયદાઓની કલમો પોલીસ રિપોર્ટમાં ટાંકવામાં આવતી હતી ! પરંતુ સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિઓ એ છે કે, નવા ફોજદારી કાયદાઓ અંગે બધાં જ, ખાનગી વકીલો-સરકારી વકીલો અને પોલીસ, મૂંઝવણમાં છે.
આજની તારીખે આ નવા ફોજદારી કાયદાઓ અંગે કોઈ જ સરકારી પુસ્તક પ્રકાશિત થયું નથી. ખાનગી પ્રકાશનોના પુસ્તકોને આધારે ગાડું ગબડાવવામાં આવે છે. સરકારી પુસ્તકની ગેરહાજરીમાં નવા ફોજદારી કાયદાઓનું સત્તાવાર અર્થઘટન શું કરવાનું ? સરકારે આ સમજણ માટે કોઈ પુસ્તક પ્રકાશિત કર્યું જ નથી, જે વિદ્યાર્થીઓ કોલેજમાં કાયદાના સ્નાતક બનવા માટે અભ્યાસ કરી રહ્યા છે, તેઓને પણ હજુ જૂના કાયદાઓ ભણાવવામાં આવી રહ્યા છે. કેમ કે, આ માટેના સરકાર માન્ય પાઠય પુસ્તક તૈયાર કરવામાં જ નથી આવ્યા.
બીજી તરફ બધે જ તાલીમો અપાઈ રહી છે. નિષ્ણાંતો પ્રશ્ન પૂછે છે કે, દોઢ બે કલાકની તાલીમમાં નવા ફોજદારી કાયદાઓ સમજી શકાય ? જો આવી ટૂંકી તાલીમોથી નિષ્ણાંત બની શકાતું હોય તો પછી કોલેજોમાં કાયદાઓનો અભ્યાસ કરાવવાની જરૂર શા માટે રહે ? અત્રે ઉલ્લેખનિય છે કે, વિભાગ કોઈ પણ હોય, કે વિષય કોઈ પણ હોય- સરકારી તાલીમ અંગે લોકોનો અભિપ્રાય એવો હોય છે કે, આવી મીટિંગો ચા-ગાંઠીયા, પૂરી-શાક પૂરતી મર્યાદિત હોય છે. 3 નવા ફોજદારી કાયદાઓ બહુ મોટો અને ગંભીર વિષય છે, દોઢ બે કલાકની તાલીમમાં કશું જ પરિણામલક્ષી ન થઈ શકે.
આ પ્રકારની પરિસ્થિતિઓને કારણે ખાનગી વકીલો, સરકારી વકીલો અને પોલીસ- બધાં જ નવા ફોજદારી કાયદાઓ અંગે મૂંઝવણમાં છે. અને, એક વાત એ પણ છે કે- ધારો કે અમલ દરમિયાન કોઈ વિસંગતતા ઉભી થાય, તો શું કરવું ? આ માટે સરકાર તરફથી કોઈ માન્ય પુસ્તક પણ પ્રકાશિત થયું નથી. કોનો અભિપ્રાય માનવો ? સત્તાવાર અભિપ્રાય કોને લેખવો ?
એક મહિલા નિષ્ણાંત જણાવે છે કે, અગાઉ કોઈ નવો સરકારી કાયદો આવતો ત્યારે સરકાર તે કાયદો ગેઝેટમાં પ્રકાશિત કરતી અને બાદમાં સરકારી પ્રેસમાં તે અંગે સરકારી પુસ્તક પ્રગટ થતું. છેલ્લા ઘણાં વર્ષોથી સરકારે આવા પુસ્તકો છાપવાનું જ બંધ કરી દીધું છે. અને ગેઝેટમાં જે કાયદો છપાય છે તેનું જુદાં જુદાં ખાનગી પ્રકાશનો પોતાની રીતે ટ્રાન્સલેશન કરી, પુસ્તકો છાપી નાંખે છે. આ અર્થઘટન જયારે અદાલતમાં રજૂ થાય ત્યારે, આવા નવા કાયદાઓના અર્થઘટનમાં કેટલીક વિસંગતતાઓ ઉભી થતી હોય છે, તેથી કાયદા પાલનમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. અદાલતનું કામ મુશ્કેેલ બની જતું હોય છે. એ જ રીતે નવા કાયદાઓના સરકારી પુસ્તક એટલે કે કોલેજનો અભ્યાસક્રમ છપાયો ન હોય, કોલેજો કાયદાના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવી શકતી નથી. તેને કારણે પણ ઘણી વિસંગતતાઓ ઉભી થઈ શકતી હોય છે.
અન્ય એક નિષ્ણાંત કહે છે: ખૂબ ઉતાવળિયું પગલું ભરાયું હોવાથી કાયદાઓનો અસરકારક અમલ થઈ શકતો નથી. વર્ષો જૂના કાયદાઓને રાતોરાત બદલી નાંખવામાં આવ્યા છે. કાયદાઓ સાથે સંબંધિત કોઈ પણ લોકોને આ માટેની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી નથી. આ નવા કાયદાઓનો અભ્યાસક્રમ અગાઉથી લો-કોલેજોને આપવામાં આવ્યો નથી. કોલેજોમાં આ પુસ્તકો અગાઉથી આપવા જોઈએ, જે આપવામાં આવ્યા નથી, તેથી હાલ લો-કોલેજોમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓને શરૂઆતથી જ તકલીફો પડી જશે અને જે વિદ્યાર્થીઓ બીજા અથવા ત્રીજા વર્ષમાં છે, તેઓ જૂના કાયદાઓ ભણેલાં છે, તેઓ નવા કાયદાઓ કયારે ભણશે ? એ માટેના સરકારી પુસ્તકો જ નથી.(Symbolic image source:google)