Mysamachar.in-જામનગર:
જામનગરમાં ગુન્હેગારોને પોલીસનો ભય નથી રહ્યો તે વાત નિશ્ચિત બની ચુકી છે કારણ કે રોજ એવી ઘટનાઓ સામે આવતી રહે છે કે પોલીસની આબરુનું ધોવાણ કરે છે. નાઘેડી ગામેથી આવી જ ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો કરી અને તેની પત્નીનું અપહરણ તેના પિયરવાળા જ કરી જતા સામેવાળા સાસરિયા પક્ષ સહિતનાઓ વિરુદ્ધ પંચ બી પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે તેની વિગતો એવી છે કે….
જામનગર નજીક આવેલ નાઘેડી ગામ નવા પાણીના ટાંકો, જુનો ગઢવી ચોક પાસે વસવાટ કરતા હાર્દીક ભીખુભાઇ ધોકીયા ઉ.વ 25 જે ફર્નીચરનો ધંધો કરે છે, તેણે લવ મેરેજ કરેલ હોય જેનો ખાર રાખી તેના સસરા હાજાભાઇ આલાભાઇ આંબલીયા, સાળા રાહુલ હાજાભાઇ આંબલીયા થતા હોય તેમજ રાહુલના મામા અને તેની સાથે આવેલ ચાર થી પાંચ અજાણ્યા ઇસમો બે ફોરવ્હીલ કાર લઇ આવી ફરિયાદી હાર્દિકના ઘરની ડેલી ઠેકીને હથિયારો સાથે અંદર ઘુસી ગયા બાદ ફરિયાદી હાર્દિક ધોકિયા તથા તેના પિતા બન્ને બાજુમા ઉભેલ હતા ત્યારે હાર્દિકને લોખંડની કોસથી ઢીકાપાટુનો માર મારતા મુંઢ ઇજાઓ પહોચાડી હતી,
જે બાદ ફરિયાદી હાર્દિકના પિતા ભીખુભાઈને પણ પગમા તથા શરીરે મુંઢ ઇજા કરેલ ઉપરાંત ફરિયાદી હાર્દિકના ભાઇ પરેશને આરોપી તેના સસરા હાજાભાઇએ માર મારી અને આવેલ ઈસમો પૈકી બે થી ત્રણ ઇસમોએ ફરિયાદી હાર્દિકના લગ્ન જેની સાથે થયા હતા તે તેની પત્ની રીનાબેન રૂમમા હોય તે દરવાજો તોડી અંદર જઇ તેને પણ મુંઢ માર મારી તેનુ અપહરણ કરી લઇને નીકળી રહ્યા હતા ત્યારે ફરિયાદીની માતા વચ્ચે પડતા પણ તેને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો આમ તમામ આરોપીઓએ ફોરવ્હીલો તથા હથિયારો સાથે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચી ગેરકાયદેસર અપપ્રવેશ કરી અપહરણ, મારામારી, રાયોટીંગ સહિતની કલમો હેઠળ પંચકોશી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે, અને ઈજાગ્રસ્ત પરિવાર હાલ સારવારમાં હોવાનું સામે આવ્યું છે.ગુન્હા અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.