Mysamachar.in:વડોદરા:
માર્ગ સલામતીની મીઠડી વાતો વચ્ચે રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતોની એવી ઘટનાઓ સામે આવી રહી છે જે ચિંતાજનક છે અને આવા અકસ્માતોથી કેટલાય પરિવારોના માળા પીંખાઇ રહ્યા છે, ગત મોડી રાત્રીના પણ આવા જ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયાની દુઃખદ ઘટના સામે આવી છે.જો કે આ અકસ્માતમાં પરિવારની એક 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થતા તેની હાલ સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ પ્રજ્ઞેશભાઈ પટેલનો પરિવાર તેમના મિત્ર પરિવાર સાથે ગઈકાલે સવારે 9:00 વાગે ભરૂચ જિલ્લાના નિકોરા ગામ ખાતે આવેલા પ્રજ્ઞેશભાઈના ખેતરમાં પિકનિક માટે ગયો હતો. પરત ફરતી વખતે આ ઘટના ઘટી હતી. વડોદરા શહેરમાં રહેતા બે ભાઈઓનો પરિવાર વતનમાંથી ગતમોડી રાત્રે સુરત તરફથી વડોદરા આવી રહ્યો હતો. પટેલ પરિવાર વડોદરા સ્થિત જાંબુવા બ્રિજથી તરસાલી તરફ કારમાં જઇ રહ્યો હતો. જ્યાં સાઇડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળ ધડાકાભેર કાર ભટકાતા અતિ ગંભીર અકસ્માત સર્જાયો હતો.દરમિયાન બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.મૃતકોમાં પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉં.વ. 34), મયુરભાઈ પટેલ (ઉં.વ. 30), ઉર્વશીબેન પટેલ (ઉં.વ. 31), ભૂમિકાબેન પટેલ (ઉં.વ. 28), લવ પટેલ (ઉં.વ. 1)તથા ઇજાગ્રસ્તનું અસ્મિતા પટેલ છે જેની ઉમર માત્ર ચાર વર્ષ છે.




