Mysamachar.in:ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાનું અંદાજપત્રસત્ર આવતીકાલે પહેલી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહ્યું છે અને સરકારના વિવિધ વિભાગોએ આ સત્રમાં ગૃહમાં લાવી શકાય તે રીતે કુલ 11 બિલ તૈયાર કરી રાખ્યા છે, જો કે આ પૈકી કયા કયા બિલ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે અને કયા બિલ પેન્ડિંગ રાખવામાં આવશે, તે અંગેની સ્પષ્ટતાઓ હજુ બહાર આવી નથી.
સરકારે જે 11 બિલ તૈયાર કરેલાં છે તેમાં ફેમિલી ID બિલ પણ છે. સરકાર દરેક પરિવારને એક યુનિક નંબર આપશે, આ નંબરની મદદથી તે પરિવારની સરકારી યોજનાઓ સંબંધિત તમામ વિગતો સરકાર મેળવી શકશે, ખાસ કરીને કેટલાંક પરિવારો સરકારની વિવિધ યોજનાઓનો ગેરલાભ લઈ રહ્યા છે તે અટકાવવા આ ID નો ઉપયોગ કરવામાં આવશે, એમ સૂત્ર કહે છે.
આ ઉપરાંત રાજ્યભરમાં ખેતીની જમીનોની લે-વેચ સાવ સરળ બનાવવા પણ એક ખાસ બિલ આવી શકે છે, જેનો લાભ અલબત્ત ખેડૂતોને તો મળશે જ, પણ આ બિલમાં બિલ્ડર તથા ડેવલપરને પાછલાં દરવાજે ઘણી સુવિધાઓ કરી આપવામાં આવશે, એમ આ બિલની જોગવાઈઓ સાથે સંબંધિત સૂત્ર કહે છે. આ બિલને ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચર લેન્ડ લોઝ બિલ એવું નામ આપવામાં આવ્યું છે.
આ સાથે જ અન્ય એક બિલ ઈલેક્ટ્રિસિટી ડયૂટી બિલ છે, અત્યાર સુધી આ ડયૂટી સંબંધિત કામગીરીઓ ઉર્જા વિભાગ હસ્તક હતી, હવે આ કામગીરીઓ વાણિજ્ય વેરા વિભાગ હસ્તક જતી રહેશે, આ વિભાગ વેટ અને GSTનું પણ કલેક્શન કરે છે. સરકારનો આશય બાકી નાણાંની વસુલાત ઝડપી બનાવવાનો હોય શકે છે.
આ ઉપરાંત હેલ્થ સાયન્સ, ટ્રસ્ટ સંબંધિત સુધારાઓ, સહકારી મંડળીઓ સંબંધિત સુધારાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંબંધિત સુધારાઓ, વેરહાઉસીસ લગત બિલ, ભાડાં તથા હોટેલના દરો સંબંધિત બિલ અને ભૂગર્ભજળના મેનેજમેન્ટ સંબંધિત બિલ પણ તૈયાર છે. તે પૈકી કેટલાં બિલ આ બજેટસત્રમાં આવશે, તે હજુ જો કે નિશ્ચિત નથી.