Mysamachar.in-ગાંધીનગર:
ભારત દેશની સમગ્ર ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વની સૌથી આધુનિક પ્રણાલી બનાવવામાં આવશે, એમ કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ જણાવી રહ્યા છે, જો કે તેઓએ આ માટે કોઈ ડેડલાઈન જાહેર કરી નથી પરંતુ એટલું કહ્યું છે કે, વધુમાં વધુ પાંચ વર્ષની અંદર આ પરિણામો જોઈ શકાશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલમાં આ પ્રણાલી કેવી રીતે કામ કરી રહી છે અથવા ઘસડાઈ રહી છે, એ મુદ્દો પણ જાણીતો છે ત્યારે પ્રશ્ન એ પણ થાય કે, પાંચ જ વર્ષમાં અમિત શાહ કહે છે એ પરિવર્તન આટલાં વિશાળ અને અટપટા દેશમાં સંભવ બની શકશે ?!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં ગાંધીનગર ખાતે એક નેશનલ કાર્યક્રમમાં ન્યાય પ્રણાલી અંગે આમ બોલ્યા હતાં. તેઓ પાંચમી આંતરરાષ્ટ્રીય અને 44મી ઓલ ઈન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ ઓન બિહેવિયરલ ફોરેન્સિકમાં આમ બોલ્યા હતાં. આ કોન્ફરન્સ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી.
અમિત શાહે સંબોધનમાં જણાવ્યું કે, ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ અદાલતી કાર્યવાહીઓમાં, ન્યાય પ્રણાલીમાં તથા શિક્ષણમાં કરવો આવશ્યક છે, જેનાથી ક્રાઈમ રેટ ઘટાડી શકાય. તેઓએ કહ્યું: ત્રણ નવા ક્રિમિનલ કાયદા અને ફોરેન્સિક સાયન્સના સંયુકત ઉપયોગથી દેશમાં અતિ આધુનિક ફોજદારી ન્યાય પ્રણાલીનો અમલ શક્ય છે, એટલું જ નહીં આ પ્રણાલીને આપણે વિશ્વની સૌથી મોર્ડન પ્રણાલી પણ બનાવી શકીએ.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, પ્રથમ વખત આપણે સાત વર્ષથી વધુની સજાની જોગવાઈના ગંભીર ગુનાઓમાં ફોરેન્સિક સાયન્સની ટીમ ગુના બનાવ સ્થળની ફરજિયાત મુલાકાત લ્યે, એવી વ્યવસ્થા ગોઠવી શક્યા છીએ, આ વ્યવસ્થાથી ગુનાની તપાસને સરળ અને અસરકારક બનાવી શકાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, દેશમાં પાંચ વર્ષ બાદ એ સ્થિતિ પર આપણે પહોંચી શકીશું કે, પોલીસ સહિતના વિભાગોમાં દર વર્ષે 9,000 ફોરેન્સિક ઓફિસરોની સેવાઓનો લાભ લઈ શકીશું. આપણે ગુજરાત અને દેશમાં પોલીસની અંદર મોડસ ઓપરેન્ડી વિભાગ ધરાવીએ છીએ. જેમાં ફોરેન્સિક બિહેવિયરલ સાયન્સનું સંકલન કરીને આપણે ગુનાઓ બનતાં પણ અટકાવી શકીએ.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં ગુનાઓ સંબંધિત વિશાળ ડેટાબેઝ જનરેટ કરવામાં આવ્યો છે. જેના માટે AI નો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI ના ઉપયોગથી વિશાળ ડેટાબેઝને સંકલિત કરવામાં આવે છે અને તેનું પૃથ્થકરણ પણ મોટાપાયા પર કરવામાં આવી રહ્યું છે. ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમના આધારે અત્યાર સુધીમાં 8,000 FIR રજિસ્ટર્ડ કરવામાં આવી છે. દેશના દરેક પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટર નેટવર્ક અને ડેટાબેઝ સાથે જોડી દેવામાં આવ્યા છે. ઈ-કોર્ટ ડેટાબેઝ અંતર્ગત 15 કરોડ પ્રોસિકયુશન ડેટાબેઝને ઓનલાઈન કરવામાં આવ્યો છે. અને આ ડેટાબેઝ ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઈ-પ્રિઝન ડેટાબેઝમાં દેશભરના 2 કરોડથી વધુ કેદીઓનો ડેટા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે. ઈ-ફોરેન્સિક ડેટાબેઝમાં 19 લાખથી વધુ ફોરેન્સિક પરિણામો ઓનલાઈન કરવામાં આવ્યા છે. આ વિગતો પાછલાં 3 વર્ષની છે, એમ પણ તેઓએ કહ્યું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગરના આ કાર્યક્રમ બાદ ભાવનગર અને અમદાવાદના બે ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જે પૈકી રાણીપનો કાર્યક્રમ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધિત હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, રાણીપ તેઓના સંસદીય મત વિસ્તારમાં પડે છે.