Mysamachar.in-સુરેન્દ્રનગર:
કોલસાની એક ખાણમાં ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ત્રણના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમ્યાન મોત થયાનો અહેવાલ છે. આ દુર્ઘટના જે ખાણમાં થઈ છે તે ખાણ સ્થાનિક રાજકીય અગ્રણીની હોવાનું માનવામાં આવે છે. આ અહેવાલ સુરેન્દ્રનગરથી પ્રસારિત થયો હોવાનું બહાર આવ્યું છે.
જાણવા મળેલ વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ખંપાળીયા ગઢડા નામના ગામની સીમમાં નદીથી થોડે દૂર કોલસાની એક ખાણમાં આ ગમગીન ઘટના બની છે. આ ઘટનામાં ખાણમાં ખોદકામ દરમ્યાન કોલસાની એક મોટી ભેખડ ધસી પડી હતી, જેમાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે મોત નીપજયા હતાં અને એક ગંભીર ઈજાઓ ધરાવતાં શ્રમિકને સારવાર માટે નજીકની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ, સારવારમાં તેનું પણ મોત થતાં આ દુર્ઘટનામાં મોતનો આંક ચાર થયો છે જેને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
એમ કહેવાય છે કે, આ ખાણમાં ગેરકાયદેસર રીતે ખાણકામ ચાલી રહ્યું હતું તે સમયે આ દુર્ઘટના બની. હજુ સુધી આ દુર્ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ન હોય જે મૃતકો છે તેમના પીએમ પણ નથી થયા અને અગ્નિસંસ્કાર પણ પોતાના વતનમાં થઇ ગયા સહિતની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એક ચર્ચા એવી પણ છે કે, જિલ્લાના એક રાજકીય નેતા આ ખાણ સાથે સંકળાયેલા છે. નેતાના પત્નીના નામે આ વિસ્તારમાં ખાણકામનો બિઝનેસ ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ છે. જો કે આ ખાણ ગેરકાયદેસર હોવાની પણ ચર્ચાઓ છે. ખાણખનિજ ક્ષેત્રમાં સુરેન્દ્રનગર જિલ્લો અવારનવાર ચર્ચાઓમાં રહે છે, જે પણ અત્રે ઉલ્લેખનિય છે.