Mysamachar.in-ગાંધીનગર:
સુશાસનનું મોડેલ લેખાતાં ગુજરાતમાં, દર વર્ષે 25મી ડિસેમ્બરનો દિવસ, પૂર્વ અને સદગત વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ, સુશાસન દિવસ તરીકે સરકારી ધોરણે ઉજવવામાં આવે છે પણ, આ જ દિવસે કહેવાતાં સુશાસનની પોલ ઉઘાડી પડી ગઈ છે !! રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં કુલ 40,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. આ સ્થિતિમાં સરકારી કચેરીઓમાં નાગરિકોના કામો કેવી રીતે થતાં હશે ? અથવા, વિકાસના કામોની શી વલે થતી હશે ?! એ પ્રશ્નોના જવાબો સ્વાભાવિક રીતે જ ચિંતાપ્રેરક હોય, એ સમજી શકાય એમ છે.
ગુજરાતમાં રાજનીતિ કરતાં પણ મોટો મુદ્દો સરકારી ભરતીઓનો છે. અનેક ભરતીઓ માટે લાંબા સમય સુધી પરીક્ષાઓની જાહેરાતો થતી નથી, જાહેરાતો થયા બાદ આ જાહેરાતો પાછી ઠેલાતી રહે છે, પરીક્ષાઓ લેવાય તો પેપરો ફૂટી જાય, પરીક્ષાઓ અને ભરતીઓ મોકૂફ રહે, ત્યારબાદ લાંબા સમય સુધી ભરતીઓ ન થાય- ગુજરાત માટે આ બધું જ જાણે કે, કાયમી બની ગયું છે, અને તેની વિરુદ્ધ આંદોલનો પણ થતાં રહે છે, હજાર યુવાઓ નોકરી માટે ટળવળતાં રહે છે, હજારો યુવાઓ તો સરકારી નોકરીઓ માટેની ઉંમર પણ ગુમાવી દે છે. બેરોજગારી સમૃધ્ધ રાજયમાં મહામુદો બની ગયો છે.
સુશાસનની ઉજવણીના કાર્યક્રમમાં જ, રાજ્યના મુખ્ય સચિવે ખુદે આ ચિંતાજનક હકીકતોનો સ્વીકાર કરવો પડ્યો. તેઓએ બચાવમાં કહેવું પડ્યું કે, આગામી એક વર્ષ દરમિયાન રાજ્યમાં મોટાપાયે ભરતીઓ કરવામાં આવશે અને સરકાર આ માટે રોડમેપ તૈયાર કરી રહી છે.
રાજ્યમાં ઘણી કચેરીઓ એવી છે જેમાં 40થી 60 ટકા જેટલી, તોતિંગ સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. આ કચેરીઓમાં કામો થતાં હશે ? કેવી રીતે થતાં હશે ?! રાજ્યમાં કુલ 40,000 જેટલી જગ્યાઓ ખાલી છે, માનવબળની આ કમી સરકારને ગતિશીલ બનવામાં અવરોધો પેદાં કરી રહી છે.
આગામી એક વર્ષ દરમિયાન રાજ્યમાં મોટાપાયે ભરતીઓ કરવામાં આવશે અને તે માટે એક્શન પ્લાન તૈયાર છે એમ મુખ્ય સચિવ રાજકુમાર કહી રહ્યા છે પરંતુ આ એક્શન પ્લાનનો અસરકારક અમલ શક્ય બનવા અંગે ઘણાં જો અને તો ની ચર્ચાઓ શરૂ થઈ છે. પરીક્ષાઓ અને ભરતીઓ સફળ થશે.? ભૂતકાળની ભૂલો સુધારી લેવામાં આવશે .? આગામી મહિનાઓ દરમિયાન, રાજયનું સમગ્ર તંત્ર લોકસભા ચૂંટણીઓ માટે વ્યસ્ત હશે, તે દરમિયાન ભરતીઓના આ એક્શન પ્લાનનો અમલ શક્ય બનશે ?! સૂત્ર કહે છે: વિલંબ થશે.
પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ, ASI, PSI સહિતની 27,000 જગ્યાઓ ખાલી છે. ગૌણ સેવાની તલાટી, જૂનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક સહિતની અંદાજે પાંચેક હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત પંચાયત અને શિક્ષણ સહિતના વિભાગોમાં હજારો જગ્યાઓ ખાલી છે, આગામી વર્ષે સરકાર મે-જૂન સુધી લોકસભા ચૂંટણીઓમાં રોકાયેલી હશે અને પછી ચોમાસુ શરૂ થશે, આ સંજોગોમાં ચોમાસા બાદ સરકાર આ દિશામાં ગતિશીલતા પ્રાપ્ત કરી શકશે, એવી શકયતાઓ વર્તુળો જોઈ રહ્યા છે.