Mysamachar.in:જામનગર:
એક જમાનામાં જામનગરના બેડી, સિક્કા, સલાયા, સચાણા અને જોડિયા બંદરો ધીકતાં હતાં. વિવિધ દેશો સાથે વેપાર ધમધમતો હતો. જેને કારણે બંદરો સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયો અને અર્થતંત્રને પણ વાઈબ્રન્સીનો સ્પર્શ થયેલો. અને અસંખ્ય લોકોને રોજગારી પ્રાપ્ત થતી, સરકારને પણ જબરી આવકો થતી. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી જામનગરનો બંદર ઉદ્યોગ એકદમ એવરેજ બની ગયો છે અને એમાંયે વર્ષના અમુક મહિનાઓ તો વાતાવરણ સાવ નિસ્તેજ જોવા મળે છે. હવે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને કારણે જામનગરના બંદર ઉદ્યોગમાં ફરીથી નવસંચારની તકો ક્ષિતિજ પર ડોકાઈ રહી છે, જેની વધુ વિગતો આવતાં દિવસોમાં જાહેર થશે.
હાલમાં જાહેર થયેલી વિગતો અનુસાર, જામનગરનાં બંદર ઉદ્યોગને જાદૂઈ સ્પર્શની શકયતાઓ સપાટી પર ઉભરી છે. યુનાઇટેડ આરબ અમીરાતની એક કંપની ગુજરાતના દરિયાઈ ક્ષેત્રના વિકાસમાં સરકાર સાથે સહભાગી બની રહી છે. DP વર્લ્ડ નામની આ કંપની ગુજરાતમાં સમુદ્રી વિકાસ માટે રૂ. 25,000 કરોડનું રોકાણ કરશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કંપનીએ આ જાહેરાત કરી છે. સરકાર સાથે MoU કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, UAE ના શાસક નાહયાન વડાપ્રધાન મોદી સાથે નજીકના સંબંધો ધરાવે છે, UAE ભારત સાથે વિવિધ ક્ષેત્રમાં સહયોગ વધારવા તત્પર છે. ગુજરાતમાં બિઝનેસ કરવા આતુર છે. અને આ પોલિસીના ભાગરૂપે UAE ગુજરાતમાં આવ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર, UAE ની આ કંપની ગુજરાતના બંદરોનો ચહેરો ચકચકિત કરશે. રાજ્યના દરિયાકાંઠે વધારાના બંદરોના વિકાસની તકો ઓળખવા આ કંપનીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે કાલે બુધવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં MoU કર્યું છે.
UAE ની આ કંપની સમગ્ર વિશ્વમાં લોજિસ્ટીક મેનેજમેન્ટ અને સર્વિસ ફર્મ તરીકે વિખ્યાત છે. અબજો ડોલરનો બિઝનેસ કરે છે. આ કંપની ગુજરાતમાં નવા બંદરો, ટર્મિનલ અને વિશેષ આર્થિક ઝોનનો વિકાસ કરશે. આ MoU સમયે વડાપ્રધાન મોદી અને UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમયે કંપનીના ચેરમેન અને CEO સુલતાન અહેમદ બિન સુલેમે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ MK દાસ સાથે સંભવિત રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
કંપનીના નિવેદન અનુસાર, દક્ષિણ ગુજરાત તથા કચ્છ તરફ પશ્ચિમ દરિયાકિનારે બહુહેતુક બંદરો વિકસાવવામાં આવશે. જામનગર અને કચ્છમાં વિશેષ આર્થિક ઝોન અને ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તથા મોરબી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ખાનગી માલવાહક મથકો વિકસાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, UAE ની આ કંપની હાલમાં પણ અમદાવાદ અને હજીરા ખાતે તેમજ મુન્દ્રામાં કરોડોનો બિઝનેસ અને નેટવર્ક ધરાવે છે જ, હવે જામનગરને પણ તેનો જાદૂઈ સ્પર્શ થશે.