Mysamachar.in:જામનગર:
જામનગરની GG હોસ્પિટલની જૂની તથા નવી ઈમારતમાં થોડાં થોડાં સમયના અંતરે, સિકયોરિટી એજન્સીના કર્મચારીઓનો મુદ્દો ગાજતો રહે છે અને તેનાં વિડીયોઝ પણ વાયરલ થતાં રહે છે, જેને કારણે આ હોસ્પિટલની પ્રતિષ્ઠાને આંચ આવી રહી હોય, સત્તાવાળાઓ આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ન બને તે માટે એકદમ ચિંતિત અને ગંભીર છે. જીજી હોસ્પિટલ સંકુલમાં સમયે સમયે સિકયોરિટી કર્મચારીઓ અને તબીબો વચ્ચે અથવા સિકયોરિટી કર્મચારીઓ અને દર્દીઓના પરિવારજનો(મુલાકાતીઓ) વચ્ચે બબાલો થતી રહે છે. અને આ બબાલો સોશિયલ મીડિયાના આ સમયમાં વાયરલ પણ થતી રહે છે. હાલમાં પણ આવો એક વીડિયો વાયરલ થયો છે.
હોસ્પિટલના એક મહિલા તબીબ અને એક સિકયોરિટી કર્મચારી વચ્ચે વાહન પાર્કિંગ મામલે તથા વાહનની સામાન્ય અથડામણ મુદ્દે બબાલ થઈ હતી, એવું બહાર આવ્યું છે. જો કે, મંગળવારની આ ઘટનામાં મહિલા તબીબનું વર્તન ચર્ચાઓમાં છે. અને, એક આધેડ સિકયોરિટી કર્મીને ઈજાઓ થઈ હોવાનું પણ કહેવાય છે. જીજી હોસ્પિટલમાં વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને Mysamachar.in દ્વારા આજે તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ એ હકીકતનો સ્વીકાર કર્યો હતો કે, આવી ઘટનાઓમાં કસૂરવાર કોણ હોય છે એ દરેક કિસ્સાઓમાં તપાસનો વિષય હોય છે પરંતુ આવી ઘટનાઓ ઈચ્છનીય નથી હોતી.
તેઓએ એમ પણ સ્પષ્ટ કર્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તબીબોને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવશે અને સિકયોરિટી કર્મચારીઓને પણ યોગ્ય વર્તન અંગે કડક ચેતવણી આપવામાં આવશે. આ ઉપરાંત સિકયોરિટી કર્મચારીઓને આ મુદ્દે તાલીમ પણ આપવામાં આવશે. અને જે સિકયોરિટી કર્મી એક કરતાં વધુ વખત આ પ્રકારની ઘટનાઓમાં સંડોવાયેલ માલૂમ પડશે તેને કાયમ માટે નોકરીમાંથી છૂટા પણ કરી દેવામાં આવશે. તબીબોને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓના પરિવારજનોને સિકયોરિટી કર્મચારીઓ પ્રત્યે કોઈ અસંતોષ ન જાગે તે માટે પણ સિકયોરિટી કર્મચારીઓને જરૂરી સમજણ આપવામાં આવશે.
તેઓએ અંતમાં એમ પણ કહ્યું કે, તાજેતરમાં જે ઘટના બની તે અંગે આજે બપોરે સંબંધિત લોકોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે આવશ્યક પગલાંઓ ભરવામાં આવશે. કારણ કે, હોસ્પિટલ એવું સ્થળ છે જયાં આ પ્રકારની ઘટનાઓ કોઈ પણ રીતે અટકવી જ જોઈએ.