Mysamachar.in-જામનગર:
રાજકોટ મહાનગરના શાસકો મતદાતાઓની ચિંતાઓ કરે છે, તેઓ જાણે છે કે, શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ છે, પાર્કિંગ સમસ્યાઓ છે અને તેથી તેઓએ નક્કી કર્યું છે કે, શહેરમાં આવેલાં મોટાં સર્કલ નાના કરવા, આ જગ્યાઓ પર ટ્રાફિક સરળતાથી વહી શકે તે માટે નાનાં સર્કલ બનાવવા નવી ડિઝાઈન તૈયાર કરવી અને આ ડિઝાઈન એવી રીતે તૈયાર કરવી કે, જેથી બ્યુટીફિકેશન પણ જળવાઈ રહે.
આ conceptને જામનગરના સંદર્ભમાં જરા જુદી રીતે જોવો જરૂરી છે. શહેરમાં એવી ઘણી જગ્યાઓ છે, જયાં મોટાં સર્કલ છે, ત્યાં વાહનોને પસાર થવા જગ્યાઓ ઓછી છે, આવા સ્થળોએ ગેરકાયદેસર પથારાઓ, રેંકડીઓ અને વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ પણ હોય છે અને ધંધાર્થીઓ પણ આ જગ્યાઓ પર દબાણ કરીને બેઠાં હોય છે, જેને પરિણામે રાહદારીઓ, દુકાનદારો અને હજારો વાહનચાલકોએ પારાવાર હાલાકીઓ વેઠવી પડે છે.
દાખલા તરીકે: દરબારગઢ સર્કલ, ચાંદી બજાર સર્કલ, હવાઈ ચોક સર્કલ, ખંભાળિયા નાકા સર્કલ, બેડી ગેઈટ વિસ્તાર, ટાઉનહોલ સર્કલ, તીન બતી સર્કલ, અંબર ચાર રસ્તા, ડીકેવી સર્કલ, સાત રસ્તા સર્કલ તથા જૂની પ્લોટ પોલીસ ચોકી સર્કલ સહિતના સંખ્યાબંધ સ્થાનો એવા છે જયાં બિનજરૂરી રીતે જગ્યાઓ રોકાયેલી છે, અહીં નવી ડિઝાઈન સાથે એકદમ નાનાં સર્કલ ડેવલોપ કરી વાહનવ્યવહાર માટે તથા પાર્કિંગ માટે મહત્તમ જગ્યાઓ ખૂલ્લી કરવા અંગે શાસકો તથા કોર્પોરેશને કાંઈક વિચારવું જોઈએ અને એ રીતે લોકોને વિશ્વાસ અપાવવો જોઈએ કે, શાસકો મતદાતાઓની ચિંતાઓ કરે તો છે જ. કોર્પોરેશન આ દીર્ઘદ્રષ્ટિ કેળવી શકશે ? કે, બધું જ- આમ જ લંગડાતું ચાલતું રહેશે ?!