Mysamachar.in-બોટાદ:
ઝારખંડ કોંગ્રેસના રાજયસભાના સાંસદ અને શરાબની ફેકટરીઓનાં મોટાં ગજાંના વ્યવસાયી ધીરજ સાહુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ પાછલાં ત્રણ ત્રણ દિવસથી, આવકવેરાતંત્રના દરોડાની તોતિંગ કામગીરીઓ ચાલી રહી છે, એક જ એજન્સીએ એક જ વ્યક્તિને ત્યાં પાડેલાં દરોડામાં સૌથી વધુ બિનહિસાબી રકમ મળી આવી હોય તેવો આ પ્રથમ ઐતિહાસિક દરોડો છે. આ દરોડામાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 353 કરોડ રોકડા મળી આવ્યા છે અને દરોડાની આ કામગીરીઓ હજુ પણ ચાલુ છે. આ દરોડાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. આવકો અને સંપત્તિઓ અંગે ગુજરાતના એક ધારાસભ્યએ જાહેરમાં જે લેટર બોમ્બ ફોડયો છે તેને કારણે લાગતાંવળગતા ઘણાં મહાનુભાવોના કાનમાં ધાક પડી ગઈ છે.
આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 8મી ડિસેમ્બરે લખાયેલો આ પત્ર CM ઓફિસે સ્વીકારી લીધો છે. આ પત્રમાં ધારાસભ્યએ લખ્યું છે: ” આજરોજ ધારાસભ્ય તરીકે મારૂં એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જેના અનુસંધાને આવક અને સંપત્તિઓ અંગે લાંચ રૂશવત વિરોધી શાખા દ્વારા તપાસ કરવામાં આવે, તેમ જ સાથો-સાથ ગુજરાતના તમામ ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો અને ગુજરાતના તમામ IPS અને IAS કક્ષાના અધિકારીઓની પણ ACB દ્વારા તપાસ કરવામાં આવે. અને આ તપાસનો અહેવાલ ગુજરાત સરકારની વેબસાઈટ પર મૂકવામાં આવે. જેથી ગુજરાતની જનતાને તમામ નેતાઓ અને અધિકારીઓની આવકો તથા સંપત્તિઓ અંગે જાણ થઈ શકે. આ પત્રના અંતમાં જણાવાયું છે કે, આ વિષયના અનુસંધાને સંપૂર્ણ તપાસ અહેવાલ ઓનલાઈન મૂકવામાં આવે એવી વિનંતી સહ ભલામણ છે.
ધારાસભ્યના આ પત્રના કારણે રાજયમાં ચકચાર મચી છે કેમ કે, નેતાઓ અને અધિકારીઓની સાચીખોટી તમામ આવકો, લખલૂટ સંપત્તિઓ અને તમામ ચૂંટણીઓ દરમિયાન થતાં બેફામ ખર્ચાઓ અંગે હવે લગભગ તમામ મતદારો પાસે ઘણી બધી વિગતો હોય છે. આ કારણથી લોકોને એક ધારાસભ્યના આ પત્ર પછી, રાજયમાં શું શું બનશે ? એ જાણવામાં ખૂબ જ રસ પડશે. અને એવું પણ બની શકે કે, આગામી ચૂંટણીઓ સુધી આ પત્રના પડઘા સમગ્ર રાજયમાં પડતાં રહે.