mysamachar.in-અમરેલી:
ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટ જો કોઈ હોય તો તે છે રાજ્યનું ગૃહ વિભાગ અને એસીબીના સૌથી વધુ કેસો આ વિભાગના નોંધાયા છે,તેવામાં અમરેલીના સાવરકુંડલામાં એસીબીની ટીમે ઇન્ચાર્જ પી.આઈ. સહિત બે પોલીસકર્મી સામે લાંચનું છટકુ ગોઠવીને દરોડા પાડવા ગયા ત્યારે પોલીસ સ્ટેશન બહાર જ એસીબીની ટીમ અને પોલીસ વચ્ચે દોડાદોડીના દ્રશ્યો સર્જાયા હતા, આ ઘટનાએ અમરેલી સહિત પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે,
એસીબીના લાંચના આ કેસની વિગત મુજબ અમરેલી જીલ્લાના સાવરકુંડલા ગામના એક નાગરિકે ઝેરી દવા પી લેતા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો,જેની જાણવા જોગ પોલીસ સ્ટેશનમાં નોંધ દાખલ થઈ હતી,
જેની તપાસ સાવરકુંડલા ટાઉન બીટના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ગોહિલ પાસે હતી અને પી.એસ.આઈ. અને ઇન્ચાર્જ પી.આઇ. પી.બી.ચાવડાએ ઝેરી દવા પીનાર નાગરિકના સંબંધીનું નામ ન ખોલવા માટે પહેલા ૧૫ હજાર લાંચની માંગણી કરી હતી,
ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવીને ફરિયાદીને આ પ્રકરણમાં ગુન્હો દાખલ કરવાનો છે,તેવું જણાવીને દવા પીનાર જાગૃત નાગરિકના સંબંધી નામ ન ખોલવા માટે ઇન્ચાર્જ પી.આઈ.પી.બી.ચાવડા વતી હેડ કોન્સટેબલ અરવિંદ પરડવા અને એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ગોહિલએ ૮૦ હજારની લાંચ માંગી હતી,
આથી સાવરકુંડલાના જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા ના માગતા હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી,જેના આધારે એ.સી.બી.એ. લાંચનું છટકું ગોઠવીને રેઈડ પાડવા જતાં હેડ કોન્સટેબલ અરવિંદ પરડવા ૮૦ હજારની લાંચની રકમ સ્વીકારીને ફરિયાદીએ આજીજી કરતાં જમાદારે ૫ હજાર પરત આપતા સમયે એસીબીની ટીમને જોઈ જતાં જોવા જેવી થઈ હતી,
અને જમાદારે પોલીસ સ્ટેશનની બહારથી રીતસરની દોડ મૂકીને રેલ્વે ટ્રેક તરફ ઝાડીમાં ભાગવા લાગતા એસીબીની ટીમ પણ જમાદાર પાછળ દોડાદોડી કરતાં જમાદાર અરવિંદ પરડવા ૭૫ હજાર લાંચની રકમ ફેંકીને અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો,આ બનાવ બાદ એસીબી દ્વારા આખી રાત નાસી છૂટેલ જમાદાર અરવિંદ પરડવાની શોધખોળ હાથ ધરીને આજે તેને ઝડપી લેવામાં આવ્યો હતો,
એસીબીની ટીમ દ્વારા આખી રાત ઉજાગરા કરીને આ ટ્રેપને સફળ બનાવવા માટે કવાયત હાથ ધર્યા બાદ આજે સાવરકુંડલાના ઇન્ચાર્જ પી.આઈ. પી.બી.ચાવડા, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ લાંચ સ્વીકાર કરનાર હેડ કોન્સટેબલ વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.