Mysamachar.in-આણંદ:
સામાન્ય રીતે ક્યાંય પણ ચોરીનો બનાવ બન્યાનું જાહેર થાય એટલે, સંબંધિત વિસ્તારનાં પોલીસ સ્ટેશન પર કામનો વધારાનો બોજ આવી પડતો હોય છે. અને, ચોરી મોટી હોય તો પોલીસની વિવિધ શાખાઓએ તપાસમાં જોડાવાનું રહે છે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી જ, પોલીસની આંખ પર પાટા બાંધીને કોઈ ભેજાબાજો ચોરી કરી જાય ! એ માન્યામાં ન આવે તેવી વાત છે. પરંતુ આવી એક ફરિયાદ ખુદ પોલીસે નોંધાવી છે ! જેને કારણે સમગ્ર આણંદ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
આ ફરિયાદ કહે છે: આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશનમાં ચોરી થઇ છે ! કોઈ આ પોલીસ સ્ટેશનમાંથી રૂ. 8.60 લાખનો ‘ માલ’ ઉઠાવી ગયું છે ! આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હશે ત્યારે, પોલીસ સ્ટેશન રેઢું પડ્યું હશે ?! પોલીસ સ્ટાફ દેવદર્શન ગયો હશે ?! વગેરે પ્રશ્નો લોકો એકમેકને રમૂજ ખાતર પૂછી રહ્યા છે ! ‘ હમારી જેલ મેં સુરંગ ?’ એવો અસરાનીનો ડાયલોગ પણ લોકો યાદ કરી રહ્યા છે !
ફરિયાદમાં જણાવાયું છે કે, 144 કિલોગ્રામ ગાંજો પોલીસ સ્ટેશનમાંથી ચોરાઈ ગયો ! આટલો જથ્થો કોઈ તસ્કર કે પોલીસ સ્ટેશનનો મુલાકાતી ખિસ્સામાં મૂકી જઈ ન શકે ! કોઈ આટલો જથ્થો ખભે નાંખીને પણ પોલીસ સ્ટેશન બહાર ન નીકળી શકે ! આસમાન નિગલ ગયા ? યા જમીં ખા ગઈ ?! એવું પણ પૂછાઈ રહ્યું છે ! પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રાખવાનાં કસ્ટડી રૂમમાંથી આ ચોરી થઇ ! ( જામનગરમાં આ રીતે શરાબની ત્રણસોથી વધુ બોટલો કસ્ટડી રૂમમાંથી ચોરાઈ ગયેલી, થોડાં સમય પહેલાં જ ! જેમાં એક સસ્પેન્ડ પોલીસ અધિકારીનાં પુત્રની સંડોવણી બહાર આવી હતી !)
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, કસ્ટડી રૂમની બારીનાં સળિયા તૂટેલા છે. નજીકની ઈંટો ગૂમ છે. ફરિયાદી મહિલા કોન્સ્ટેબલ શોભના વાઘેલા કહે છે: તેણીએ કસ્ટડી રૂમની મુલાકાત લીધી હતી ત્યારે આ ખ્યાલ આવ્યો ! NDPS હેઠળ 2018 માં એક ગુન્હો નોંધાયો હતો જેમાં ગાંજાનો આ જથ્થો કબજે લેવામાં આવ્યો હતો અને કસ્ટડી રૂમમાં રાખવામાં આવ્યો હતો. કસ્ટડી રૂમમાં ગાંજાની કુલ 56 સીલ થેલીઓ રાખવામાં આવી હતી જે પૈકી ચાર થેલી ચોરાઈ ગયાનું જાહેર થયું છે ! પોલીસનાં ઘરમાં ઘરફોડી !! પોલીસે તસ્કર અથવા તસ્કરોને ઝડપી લેવા ગેરકાયદે પ્રવેશ, ઘરફોડી અને ચોરીની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધી, ‘ચોર’ ને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વિરસદ પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવા કમ્મર કસી ચૂકી છે.